અમેરિકામાં કરોડોની કરચોરી મામલે ગુજરાતી જ્વેલરની ધરપકડ
અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ બનાસકાંઠાના જૈન વેપારી સામે હજારો કરોડ રૂૂપિયાની કસ્ટમ્સની ચોરી કરવાની સાથે ગેરકાયદે મની ટ્રાન્સફર કરવાનો મામલો નોંધવામાં આવ્યો: મુંબઈના આ ગુજરાતી જ્વેલરની ધરપકડને પગલે મુંબઈ-સુરતની ડાયમન્ડ માર્કેટમાં ભારે ઉચાટજેમ્સ ઍન્ડ જ્વેલરીનો બિઝનેસ કરતા મુંબઈના અમેરિકામાં રહેતા ગુજરાતીની અમેરિકાના કસ્ટમ્સ વિભાગે મલ્ટિ-મિલ્યન અમેરિકન ડોલરની કસ્ટમ્સ-ડ્યુટીની ચોરી કરવાની સાથે લાઇસન્સ વિના મની ટ્રાન્સફર કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આ બિઝનેસમેન ભારતમાં જ્વેલરી બનાવીને વાયા કોરિયા ખોટાં બિલ તૈયાર કરાવીને અમેરિકામાં ઇમ્પોર્ટ કરી હોવાનું અમેરિકાના કસ્ટમ્સ વિભાગે કરેલી કાર્યવાહીમાં જણાઈ આવ્યું છે. આ જ્વેલરી સુરત અને મુંબઈમાં બનાવવામાં આવી હોવાની શક્યતા છે એટલે બિઝનેસમેનની ધરપકડ થવાથી કેટલાક મેન્યુફેક્ચરર્સના રૂૂપિયા સલવાઈ જવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે મુંબઈની સાથે સુરતની હીરાબજારમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. આરોપી બિઝનેસમેનની 26 ફેબ્રુઆરીએ ન્યુ જર્સી શહેરમાંથી ધરપકડ કરીને નેવાર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક લાખ અમેરિકન ડોલરની શ્યોરિટી આપીને જામીન મંજૂર કર્યા હતા, પરંતુ તેને ઘરની આસપાસમાં જ રહેવાની શરત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.