મેક્સિકો સરહદે કિલ્લેબંધી: ગેરકાયદે વસાહતીઓ દેશનિકાલ
ઘુસણખોરી રોકવા તથા હાંકી કઢાયા લોકોને પ્લેનમાં બેસાડાયાની ટ્રમ્પ પ્રશાસને શેર કરી તસવીરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને કરવામાં આવેલી જાહેરાત પર કાર્યવાહી શરૂૂ થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (24 જાન્યુઆરી, 2025) જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ગેરકાયદેસર પ્રવાસીનો દેશનિકાલ શરૂૂ થઈ ગયો છે. પ્લેનમાં સવાર આ લોકોની તસવીરો શેર કરવામાં આવી છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટે ડ પર એક પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સમગ્ર વિશ્વને મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલી રહ્યા છે. લેવિટે તેની પોસ્ટમાં કહ્યું, દેશનિકાલ માટેની ફ્લાઇટ્સ શરૂૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ટ્રંપ સમગ્ર વિશ્વને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલી રહ્યા છે. જો તમે ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરશો, તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
ગુરુવારે અમેરિકામાં સેંકડો ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ઘણા લોકોને આર્મી પ્લેનમાં દેશની બહાર મોકલવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તેણે 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અપરાધીઓની ધરપકડ કરી છે, જેમાં એક શંકાસ્પદ આતંકવાદી અને સગીરો સામેના યૌન અપરાધોમાં દોષી ઠેરવવામાં આવેલા કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે.
બીજી તરફ ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં 500 મરીન કોર્પ્સની સાથે 1000 સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે. આ સાથે ડ પોસ્ટમાં લખ્યું છે કે, યુએસ મરીન કોર્પ્સ સરહદે અમેરિકાની સુરક્ષાના મિશનમાં સીબીપી (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન) ની મદદ કરી રહ્યા છે અને ખાસ એ કે વાયદો કર્યો અને વાયદો પૂર્ણ થયો.
ટ્રમ્પ હોત તો યુધ્ધ ન થાત: 2020ની ચૂંટણીમાં ગેરરીતિ થઇ: પુતિન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે 2020માં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ગરબડ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવાયા હતા. પુતિને એમ પણ કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં અમેરિકાના પ્રમુખ બની ગયા હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ન થયું હોત. પુતિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું ટ્રમ્પ સાથે સંમત છું કે જો 2020માં ટ્રમ્પ પ્રમુખ બન્યા હોત તો કદાચ યુક્રેનમાં જે કટોકટીની સ્થિતિ સર્જાઈ તે ન સર્જાઈ હોત. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ સતત એવો દાવો કરતા રહ્યા છે કે 2020ની અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં જનાધારની ચોરી અને ગેરરીતિ કરવામાં આવી હતી જેમાં રિપબ્લિકન પાર્ટીની હાર ગઈ હતી.