SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે શંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે આજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.
15 અને 16 ઓક્ટોબરે યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. જયશંકરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, 'કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું ન થઈ શકે.
વિદેશ મંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. નવ વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાન અંગે સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની આવી હતી. જ્યારે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને કારણે બંને પાડોશીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ છે.