પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુ
ખૈબર પખ્તુનવામાં ભારે તારાજી, હજુ સેંકડો લોકો લાપતા
પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે 1000ના મોત થયા છે, 900થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાનના કો-ઓર્ડીનેટર ઈખ્તિયાર વલી ખાને પૂરગ્રસ્ત પ્રદેશોની પરિસ્થિતિ હેલિકોપ્ટર દ્વારા જોઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે આ પૂરોને લીધે કેટલેક ઠેકાણે તો ગામનાં ગામ તણાઈ ગયા છે. તેઓ નકશા ઉપરથી ગૂમ થઈ ગયા છે. ચકરજી અને બશોની નામનાં ગામોનું તો નામો-નિશાન નથી રહ્યું. કુટુમ્બોનાં કુટુમ્બો એક ઝાટકે સાફ થઈ ગયા છે. એક હજારથી વધુનાં મોત થયા છે. સેંકડો હજી લાપત્તા છે. મલબા નીચે પણ હજી ઘણા દટાયેલા હોવા સંભવ છે.
ઈખ્તિયાર વલી ખાને પૂરગ્રસ્ત વિસ્તારો હેલિકોપ્ટર દ્વારા ઉપરથી જોયા પછી ઈસ્લામાબાદ પરત ફર્યા પછી પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પૂર એટલા પ્રચંડ હતાં કે પાણીના ધોધમાર પ્રવાહ સાથે મોટી મોટી શિલાઓ પણ ખેંચાઈ આવી હતી. તેમજ નદી કિનારે રહેલાં કેટલાક ગામો પણ નકશા ઉપરથી વિલાઈ ગયા છે.