ઈસ્લામિક કન્ટ્રી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર
- આવતી કાલે વડાપ્રધાન મોદી અને મહંત સ્વામીની હાજરીમાં લોકાર્પણ, 18મીથી લોકો માટે ખુલ્લુ મુકાશે
- ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલનાહ્યાને 27 એકર જમીન ફાળવી અને ત્યારબાદ રચાયો ઈતિહાસ
- 2017માં મોદીએ શિલાન્યાસ કર્યો અને હવે તેની ઉપસ્થિતિમાં જ ભવ્ય બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન
ઈસ્લામિક દેશ અબુધાબીમાં આવતીકાલે તા. 14ના રોજ પ્રથમ હિંદુ મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ખુલ્લુ મુકવામાં આવનાર છે. ત્યારે આ ભવ્ય મંદિરની વિશેષતા અને ભવ્યતાની વિશ્ર્વભરમાં ચર્ચા છે.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરાશે. બીએપીએસ સંસ્થાનું મંદિર યુએઈનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.
હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે. બીએપીએસ હિંદુ મંદિર ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઈટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે યુએઈ લઈ જવામાં આવ્યું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં પીએમ મોદીની દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. જાન્યુઆરી 2019 માં, યુએઈ સરકારે વધુ 13.5 એકર જમીન ફાળવી, આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરના સાત સ્પાયર્સ દરેક યુએઈના અમીરાતનું પ્રતીક છે. મંદિરના સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે. આ મંદિરના પાયામાં 100 સેન્સર સ્થાપિત છે અને ભૂકંપની ગતિવિધિ, તાપમાનમાં ફેરફાર વગેરેની તપાસ કરવા માટે અન્ય વિસ્તારોમાં વધુ સેન્સર છે. મંદિરના નિર્માણ પાછળ 400 મિલિયન યુનાઇટેડ આરબ અમીરાત દિરહામનો ખર્ચ થવાનો અંદાજ છે. યુએઈમાં બનેલા હિન્દુ મંદિરનું નામ બીએપીએસ હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ દ્ધારા કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. યુએઈમાં બની રહેલા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, આ મંદિરની ડિઝાઈન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.
મંદિરની ઊંચાઈ 108 ફૂટ
મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.
પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ
મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.
બે ગુંબજ અને સાત શિખર
મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.