સાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોત
દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કોનરાડી (ઉ.વ.39)ને કચડી નાખતા મોત થયું છે. ચોંકાવનારી વાત એ છે કે, કોનરાડી જે હાથીને સૌથી વધુ પ્રેમ કરતા હતા, તેણે જ તેમને મારી નાખ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કોનરાડી પ્રાઈવેટ લોજ તરફ આવી ચઢેલા હાથીઓના ગ્રૂપને દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન છ ટનનો હાથી અચાનક બેકાબુ થઈ ગયો હતો અને તેણે દાંત અને પગથી તેમને અનેક વખત કચડી નાખ્યા હતા.
આસપાસ હાજર રેન્જર્સ પણ તેમને બચાવી શક્યા ન હતા. કોનરાડી ગોંડવાના રિઝર્વ અને Caylix Group સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના માલીક હતા. તેઓને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ હતો. તેમને હાથીઓની ફોટોગ્રાફી કરવાનો શોખ હતો અને તેઓ અનેક વખત હાથીઓની નજીક જતા હતા. તેમની પાસે ઝૂલોજી, એનિમલ સ્ટડીઝ, કોમર્સ અને માર્કેટિંગમાં ઓનર્સની ડિગ્રી હતી. મળતી માહિતી અનુસાર પકોનરાડીને હાથીઓ પર વિશ્વાસ હતો, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે, તેઓ જંગલી હોય છે.
ગોંડવાના ગેમ રિઝર્વએ કોનરાડીને શ્રદ્ધાંજલિ આપી છે. આ રિઝર્વ દક્ષિણ આફ્રિકાના સૌથી જાણિતા સ્થળોમાંથી એક છે. અહીં એક રાતનો ખર્ચ લગભગ 900 પાઉન્ડ (લગભગ 96,000 રૂૂપિયા) થાય છે. રિઝર્વ સિંહ, ગેંડા, દીપડા અને હાથી જેવા બિગ ફાઈવ પ્રાણીઓ માટે પણ જાણીતું છે. માર્ચ-2023માં પણ હાથીના હુમલામાં સ્ટાફ મેમ્બરનું મોત થયું હતું. કોનરાડીના મોતથી સ્પષ્ટ કહી શકાય કે, જંગલી જાનવરો પાસે જવું ઘણી વખત ઘાતક બની શકે છે.