ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને વારંવાર અમેરિકા મોકલ્યા છતાં નરેન્દ્ર મોદીને ટ્રમ્પના શપથવિધિના સમારોહમાં નિમંત્રણ ના અપાવી શક્યા. રાહુલના કહેવા પ્રમાણે, આપણા દેશમાં સારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોત, આપણે ટેકનોલોજી પર કામ કરતા હોત તો ટ્રમ્પે ભારતમાં આવીને આપણા વડાપ્રધાનને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હોત.
જયશંકર આ વાતથી નારાજ થયા. જયશંકરે રાહુલ ગાંધી પોતાના ગયા વર્ષના અમેરિકા પ્રવાસ અંગે લોકસભામાં ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ મૂકી દીધો. જયશંકરના કહેવા પ્રમાણે, પોતે ડિસેમ્બર 2024માં બાઈડન વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળવા ગયા હતા અને આ દરમિયાન મોદીને ટ્રમ્પની શપથવિધિમાં આમંત્રણ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી.
મોદી ટ્રમ્પને માય ડિયર ફ્રેન્ડ તરીકે જ સંબોધતા અને ટ્રમ્પ તેમના બાળપણના દોસ્ત હોય એવું ચિત્ર ઊભું કરી નાંખેલું. બે દેશના વડા કદી મિત્ર ના હોઈ શકે એ રાજનીતિનો મુખ્ય સિદ્ધાંત જ મોદીને ખબર નહોતી. બે દેશના વડા પોતપોતાના દેશનાં હિતો સાચવવા માટે પરસ્પર સારપ બતાવતા હોય છે ને મોદી તેને દોસ્તી માની બેઠા. બાકી ટ્રમ્પે તો એ વખતે પણ કોઈ કસર બાકી નહોતી રાખી. ભારતને જનરલ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર કાઢીને નિકાસને કરોડોનો ફટકો મારવાથી માંડીને એચ-વન બી વિઝાના નિયમો આકરા કરવા સહિતના નિર્ણયો દ્વારા ટ્રમ્પે આપણને બૂચ મારેલો જ પણ મોદીની આંખો નહોતી ઉઘડતી.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વખતે મોદીએ ખુલ્લેઆમ ટ્રમ્પનો પ્રચાર કરેલો. પહેલાં અમેરિકામાં હાઉડી મોદીનો કાર્યક્રમ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોને ભેગા કરીને મોદીએ અબ કી બાર ટ્રમ્પ સરકારના નારા લગાવેલા ને પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રમ્પને નોંતરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને પાછો ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર કરેલો. ટૂંકમાં દોસ્તી-ફોસ્તી બાજુ પર ને આ દેશનાં હિતો પહેલાં આવવાં જોઈએ. ટ્રમ્પ ડિયર ફ્રેન્ડ નહીં બને તો ચાલશે પણ ટ્રમ્પ દોસ્ત બનીને આ દેશને લૂંટવાનો એજન્ડા અમલમાં મૂકે એ નહીં ચાલે.