ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર
ત્રણ ડેમોક્રેટ સાંસદોએ કહ્યું આ ટેરિફ ગેરકાયદેસર છે, સૌથી વધુ નુકસાન અમેરિકી નાગરિકોને જ થઇ રહ્યું છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ઊંચા ટેરિફ સામે યુએસ સંસદ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ એક પ્રસ્તાવ રજૂ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીના નામે લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને તેનાથી સામાન્ય અમેરિકનોને જ નુકસાન થઈ રહ્યું છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (નોર્થ કેરોલિના), માર્ક વીજી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોય) એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર ટેરિફ 50 ટકા સુધી વધારવા માટે જે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી, તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ડેમોક્રેટ સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતોની વિરુદ્ધ છે, અને સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને થઈ રહ્યું છે. આ વાસ્તવમાં રોજબરોજની વસ્તુઓ પર અમેરિકનો પરનો વધારાનો ટેક્સ છે.”
સાંસદોએ ભારતીય આયાત પર લાદવામાં આવેલા આ ટેરિફને દૂર કરવાના પક્ષમાં મજબૂત દલીલો રજૂ કરી હતી. ડેબોરા રોસએ જણાવ્યું "નોર્થ કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ભારતીય કંપનીઓએ અહીં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને હજારો નોકરીઓ આપી છે. આ ટેરિફ તે સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે.” માર્ક વીજીએ પણ કહ્યું, "આ ગેરકાયદેસર ટેરિફ નોર્થ ટેક્સાસના સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ નાખી રહ્યા છે. ભારત અમારો સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે.” રાજા કૃષ્ણમૂર્તિએ પણ રજુઆત કરી કે "આ પગલું સપ્લાય ચેઇનને બગાડી રહ્યું છે, અમેરિકન મજૂરોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ગ્રાહકોના ખિસ્સા પર બોજ નાખી રહ્યું છે. ટેરિફ દૂર કરવાથી અમેરિકા-ભારત આર્થિક અને સુરક્ષા સંબંધો વધુ મજબૂત થશે."
H-1Bવીઝા ફી 1 લાખ કરવા સામે 20 રાજ્યોની કોર્ટમાં અપીલ
H-1B વિઝા ફી અંગે ટ્રમ્પ વહીવટીતંત્રનો તાજેતરનો નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટો રાજકીય અને કાનૂની મુદ્દો બની ગયો છે. H-1B વિઝા પર 100,000 ની ભારે ફી લાદવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને પડકારતા વીસ રાજ્યોએ હવે કોર્ટમાં અરજી કરી છે. રાજ્યો દલીલ કરે છે કે આ નિર્ણય ગેરકાયદેસર છે અને શાળાઓ, હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓમાં સ્ટાફની અછતને વધુ ખરાબ કરશે. રાજ્યોએ ટ્રમ્પના નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી છે. રાજ્યો દલીલ કરે છે કે આ નિર્ણય વહીવટી પ્રક્રિયા અધિનિયમનું ઉલ્લંઘન કરે છે. તેઓએ એ પણ ભાર મૂક્યો કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય યુએસ બંધારણનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે ક્યારેય આટલી ઊંચી ફીને મંજૂરી આપી નથી.