ઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકા
ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની લત ભયંકર હદે વકરી છે તેનો કકળાટ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે બહુ પહેલાં આ નિર્ણય લઈ લીધો હતો પણ તેનો અમલ સત્તાવાર રીતે નહોતો કરાયો. 9 ડીસેમ્બર ને મંગળવારથી સત્તાવાર રીતે અમલ કરાતાં ઓસ્ટ્રેલિયા દુનિયામાં ટીનેજર્સ માટે સાશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પહેલો દેશ બની ગયો છે. દુનિયામાં ઘણા બધા દેશોમાં બાળકોએ સોશ્યલ મીડિયા પર ક્ધટેન્ટ જોવા માટે માતા-પિતા કે વાલીની મંજૂરી લેવી જરૂૂરી છે પણ કોઈ દેશમાં બાળકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ જ ના કરી શકે એવો પ્રતિબંધ નથી. ઓસ્ટ્રેલિયાએ આ પહેલ કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને એક જબરદસ્ત ચર્ચા પણ છેડી દીધી છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતનાં વૈશ્વિક સ્તરે છવાઈ ગયેલાં અને લોકો પર પ્રભાવ પાડતાં તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ 16 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સને તેમની સેવાઓ બંધ કરવી પડશે. સાદા શબ્દોમાં કહીએ તો ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોનાં બધાં જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જશે અને યુવા યુઝર્સ આ સોશ્યલ મીડિયા પર લોગ ઈન નહીં કરી શકે. લોગ ઈન નહીં કરી શકે એટલે પોતાના વીડિયો, પોસ્ટ પણ નહીં મૂકી શકે. બાળકો લોગ ઈન કર્યા વિના સોશ્યલ મીડિયા પરનું જાહેર ક્ધટેન્ટ જોઈ શકશે પણ એકાઉન્ટ નહીં રાખી શકે. ભારતમાં પણ લાંબા સમયથી આ માગ ઉઠી જ રહી છે કેમ કે ભારતમાં પણ બાળકો સોશ્યલ મીડિયાના કારણે ભયંકર સમસ્યાઓનો સામનો કરી જ રહ્યાં છે.
ભારતીય બાળકોમાં પણ સોશ્યલ મીડિયાની લત ભયંકર સ્વરૂૂપ ધારણ કરી જ ચૂકી છે. ભારતમાં પણ બાળકો ભણવાનું છોડીને સોશ્યિલ મીડિયાનાં વ્યસની બની રહ્યાં છે અને તેના કારણે પેદા થતી હતાશાનો ભોગ બની જ રહ્યાં છે. ભારતમાં પણ સોશ્યલ મીડિયાના કારણે બાળકો ગુનાખોરી કે બીજી ખરાબ બાબતોના રવાડે ચડે એવું બની જ રહ્યું છે તેથી ઓસ્ટ્રેલિયા કે દુનિયાના બીજા દેશોમાં જે સમસ્યાઓ નડે છે એ ભારતમાં પણ નડે જ છે તેથી ભારત માટે પણ આ મુદ્દો મહત્વનો છે જ.
જો કે ભારતમાં ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બને કે કેમ તેમાં શંકા છે. તેનાં ઘણાં બધાં કારણ છે. ઓસ્ટ્રેલિયા ભારત કરતાં બહુ નાનો દેશ છે. ઓસ્ટ્રેલિયાની વસતી માંડ પોણા ત્રણ કરોડની આસપાસ છે અને બધાં લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં હોય તો પણ ભારતની સરખામણીમાં સોશ્યલ મીડિયા યુઝર્સની સંખ્યા બહુ નાની કહેવાય. ભારત ઓસ્ટ્રેલિયા કરતાં પચાસ ગણી વસતી ધરાવતો દેશ છે તેથી ભારતમાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સનો આંકડો બહુ મોટો છે અને ભારતમાંથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને એટલી જંગી આવક થાય છે કે, સરકાર કોઈ પણ નિર્ણય લે તો ભડકો જ થઈ જાય.