યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશ
ચાલુ વર્ષે ત્રીજો ઘટાડો, વ્યાજદર 2022 પછી સૌથી નીચા
યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ 10 ડિસેમ્બરે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષે આ સતત ત્રીજો ઘટાડો છે અને કુલ 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. વ્યાજ દર હવે ઘટીને 3.50 ટકા-3.75 ટકા થઈ ગયા છે, જે 2022 પછી સૌથી નીચો છે. જો કે પ્રમુખ ટ્રમ્પે નારાજગી વ્યકત કરી જણાવ્યું હતું કે 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો વધુ યોગ્ય હોત. તેમણે કહ્યું કે અમેરિકામાં વ્યાજદર વિશ્ર્વમાં સૌથી નીચો હોવો જોઈએ. આ નિર્ણય પર ફેડ નીતિ નિર્માતાઓમાં કોઈ સર્વસંમતિ નહોતી.
12 માંથી નવ સભ્યોએ કાપની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે એક સભ્ય 0.50 ટકાનો મોટો ઘટાડો ઇચ્છતો હતો. આગળ વધવાના માર્ગ અંગે પણ અનિશ્ચિતતા છે. કેટલાક નીતિ નિર્માતાઓ આવતા વર્ષે ફક્ત એક જ દર ઘટાડાની અપેક્ષા રાખે છે, જ્યારે અન્ય બે કે તેથી વધુ દર ઘટાડાની અપેક્ષા રાખે છે. ફેડના મતે, રોજગાર સર્જન ધીમું થયું છે અને બેરોજગારી દર વધ્યો છે, જ્યારે ફુગાવો ઊંચો રહે છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ યુએસમાં વ્યાજ દર ઘટાડાના ચક્રનો અંત હોઈ શકે છે. તેઓ કહે છે કે ફુગાવાને નિયંત્રિત કરવાની તેની પ્રતિબદ્ધતાને કારણે, ફેડ હવે પોઝ મોડમાં પ્રવેશ કરી શકે છે. કેટલાક આગાહી કરે છે કે આગામી દર ઘટાડા આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં જ શક્ય છે.