પાકિસ્તાન માટે કરો યા મરોનો જંગ: શોએબ અખ્તર
રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તરે ભારત સામે પાકિસ્તાનની આગામી મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે ભારત સામેની મેચને પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ ગણાવી છે. શોએબ અખ્તરે કહ્યું છે કે, પાકિસ્તાન માટે હવે ભારત સામે જીતવું ખૂબ જ જરૂૂરી છે. ભારત ખૂબ જ મજબૂત ટીમ છે અને પડકાર કઠિન લાગે છે. મને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ ભારતને હરાવવામાં સફળ રહેશે. પાકિસ્તાનની ટીમ પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
શોએબ અખ્તરે કહ્યું કે, હું પાકિસ્તાનને શુભેચ્છા પાઠવું છું. તેઓએ વધુ આક્રમક બનીને ક્રિકેટ રમવાની જરૂૂર છે. આ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હું હજુ પણ પાકિસ્તાન પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખું છું. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલની રેસમાં રહેવા માટે પાકિસ્તાને ભારત સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો પાકિસ્તાનની ટીમ ભારત સામેની મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ગ્રુપ-અમાં ન્યુઝીલેન્ડની ટીમ 2 પોઈન્ટ સાથે ટોપ પર છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ 1.200 છે. તો પાકિસ્તાનનો નેટ રન રેટ -1.200 છે. ભારત ગ્રુપ-અમાં 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતનો નેટ રન રેટ 0.408 છે.