કેનેડાથી ગુજ્જુઓને મોહભંગ: ઈમિગ્રેશનમાં 35%નો ઘટાડો
વર્ક પરમિટના આકરા નિયમોને લીધે અનેકના વિઝા રદ થાય છે, રેહવાનો ખર્ચ પણ વર્ષનો 37 લાખ પહોંચતા માતા-પિતા માટે પણ આર્થિક બોજ
કેનેડામાં પડી રહેલી તકલીફો અંગે અવગત હોવા થતાં પણ ગત વર્ષ સુધી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ હતો તે હવે વધુ નિરાશામાં ફેરવાઈ રહ્યો છે. જો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લાઈસન્સ કરિક્યૂલમ વાળી પ્રાઈવેટ કોલેજ પસંદ કરશે તો તેમને વર્ક પરમિટ મળશે નહીં એવું ટ્રુડો સરકાર દ્વારા જાહેર કરતાં નવા ફોરેન સ્ટુડન્ટ્સમાં જંગી રિજેક્શન આવી રહ્યા છે. આ નિર્ણયથી સ્પાઈસ વિઝાને પણ સીધી અસર થતાં અને 24મી જાન્યુઆરીના રોજ કેનેડાએ 3.6 લાખ વિદ્યાર્થીઓની લિમિટ બાંધતા હાલ ગુજરાતમાંથી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગયા અઠવાડિયે કેનેડાની ટ્રુડો સરકારે ટેમ્પરરી ફોરેન વર્કરને આપવાના માનદ વેતનમાં પણ ઘટાડો કર્યો હતો. જેની અસર 70 હજારથી વધુ વિદેશથી આવીને ભણતા વિદ્યાર્થીઓની રોજીરોટી પર થઈ રહી છે. આ સાથે કેનેડા જવા માટેનો જે ખર્ચ હતો તે પણ અત્યાર સુધી સરેરાશ 22-23 લાખ રુપિયા હતો પરંતુ હવે તે સરેરાશ 37 લાખે પહોંચતા અનેક ગુજરાતી માતા-પિતા અને સંતાનો માટે કેનેડા એક કપરું ચઢાણ કહી શકાય.
નોકરી મળવાની શક્યતાઓનો ઘટાડો અને વધુ ફી અને ભવિષ્યમાં મળનારા લાભો અંગેની અસ્થિરતાને કારણે ગુજરાતમાં વસતા કેનેડા વાંછુઓમાં 35 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. જો કે કેટલાક અમેરિકા જવાના પ્લાનિંગથી કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. આમ ડન્કી રુટ તરીકે કેનેડાનો ઉપયોગ કરનારા પાંચેક હજાર ભારતીયોને કેનેડાની બોર્ડરથી પાછા મોકલવામાં આવી રહ્યા છે.
પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. બે સપ્તાહ પહેલાં કેનેડા માટે એપ્લાય કરનાર વિદ્યાર્થીને રિજેક્શન આવતા જણાવે છે કે મારા મિત્રોને કારણે મેં એપ્લાય કર્યું હતું.
પરંતુ હવે ત્યાંની સ્થિતિ વધારે વણસી રહી હોય એવું લાગે છે. મારા પરિવારે 20 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં 12 લાખ ફરજીયાત ગેરેન્ટી ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ માટે અને 11 લાખ રુપિયા કોલેજ ફી ભરવાની તૈયારી બતાવી અને ફાઈલ મૂકી હતી. છતાં પણ રિજેક્શન આવ્યું.
વિઝા રિજેક્શન બાદ કોલેજ 10 ટકા ફી કાપી લે છે
રિજેક્શન બાદ પણ ત્યાંની કોલેજો દ્વારા દસથી બાર ટકા કાપી લેવામાં આવે છે. આંબાવાડી સ્થિત એક વિદ્યાર્થી જણાવે છે કે હાલમાં જ તેને રિજેક્શન આવતા તેની 18 લાખ ફીનો દસ ટકા હિસ્સો એટલે કે અઢી લાખ રુપિયા કાપીને પંદર દિવસે ફીના પૈસા પાછા આપવામાં આવ્યા. અમારો પરિવાર મઘ્યમ વર્ગીય હોવાથી માતા-પિતાએ માંડ આ પૈસા ભેગા કરીને મારી ફાઈલ તૈયાર કરાવી હતી જેમાં રિજેક્શન મળ્યું છે. આ અંગે અમદાવાદના માન્ય વિઝા ક્ધસલ્ટન્ટ જણાવે છે કે હાલમાં કેનેડાની પરિસ્થિતિ ખૂબ જ વિપરિત છે. એક સમય એવો હતો કે અમારી પાસે વિદ્યાર્થીઓની મોટી ભીડ જોવા મળતી. અમારે કેનેડા માટે એપોઈન્ટમેન્ટ આપવી પડતી પરંતુ સતત રિજેક્શનના કારણે સહેજેય 35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે IELTS માં આવનારા વિદ્યાર્થીઓમાં 35 ટકા વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય દેશોમાં પણ ઘડાટો આવતા IELTS કોચિંગમાં પચાસ ટકા ઘટાડો જેવા મળી રહ્યો છે. IELTS ની ફી 17000 રુપિયા છે. ઘણા વિદ્યાર્થીઓ ઓછા બેન્ડ આવતા ફરીવાર ટેક લે છે ત્યારે કોચિંગ ફી અને પરીક્ષા ફીમાં પણ પચાસ હજારથી લાખ રુપિયાનો ખર્ચ થતાં હવે વિદ્યાર્થી અને વાલીઓ માટે વિદેશગમન વધુને વધુ ખર્ચાળ થતું જાય છે.