બાંગ્લાદેશમાં વિનાશક પૂરે 56 લોકોનો ભોગ લીધો, 20 લાખ બાળકો ખતરામાં
11 જિલ્લા ખેદાનમેદાન, 50 લાખથી વધુ લોકો પ્રભાવિત
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના સત્તા પરિવર્તન બાદ વધુ એક સંકટ જોવા મળી રહ્યું છે. પાડોસી દેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે યૂનિસેફે શુક્રવારે ચેતવણી આપી છે કે 20 લાખથી વધુ બાળકો ખતરમાં છે. સંકટ નિવારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ 19 મોત ફેની જિલ્લામાં થયા છે.
અહીં મૃતકમાં છ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.
ભારે વરસાદ અને નદીની વધતી જળસપાટીને પગલે પૂર આવ્યા છે અને પૂર્વી બાંગ્લાદેશના 11 જિલ્લાઓને ખેદાનમેદાન કરી નાખ્યા છે, જેના કારણે 50 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરથી પ્રભાવિત 11 જિલ્લાઓમાં ફેની, કમિલા, નોઆખલી, બ્રાહ્મણબારિયા, ચટગાંવ, કોક્સ બજાર, સિલહટ અને હબીગંજ સામેલ છે. મંત્રાલયે જણાવ્યું કે શાયલેટ, હોબિગંજઅને ચટગાંવમાં પૂરની સ્થિતિમાં સુધારાના સંકેત મળી રહ્યાં છે. યૂનિસેફે ચેતવણી આપી છે કે પૂરના કારણે ઘરો, સ્કૂલો અને ગામોમાં 20 લાખથી વધુ બાળકો ખતરામાં છે.
યૂનિસેફના એક નિવેદન મુજબ, પૂર્વી બાંગ્લાદેશમાં 34 વર્ષમાં આવેલા ભીષણ પૂરને પગલે કુલ મળીને 56 લાખ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, લાખો બાળકો અને પરિવાર ભોજન અને ઈમરજન્સી રાહત વગર ફસાયેલા છે. સરકારી કર્મચારી અને વોલેન્ટિયર્સ બચાવ અભિયાન ચલાવી રહ્યાં છે.
યૂનિસેફના જણાવ્યા મુજબ, તેમણે બાળકો અને ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ જીવન રક્ષક અને તેમના જીવ બચાવવા માટે 35.3 મિલિયન ડોલરની જરુર છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પૂરની સાથે સાથે અસ્થિર કાયદા વ્યવસ્થાની સ્થિતિ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહી છે. ગત સરકારને હટાવવામાં જોવા મળ્યા પ્રદર્શન અને હિંસામાં 600થી વધુ લોકો માર્યા ગયા છે.