ભારત-પાક. સંઘર્ષમાં મધ્યસ્થીના મામલે કોંગ્રેસે ખોટાડા ટ્રમ્પ પર નહીં, મોદી પર ભરોસો કરવો જોઇએ
કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠઓએ કરેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની હાલત બગાડી નાખેલી. તેનાથી ડરીને પાકિસ્તાને ભારતને આજીજી કરી પછી ભારતે પાકિસ્તાનની દયા ખાઈને યુદ્ધવિરામ સ્વીકારેલો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સાવ ટાઢા પહોરનું ગપ્યું હાંકીને દાવો કરેલો કે, અમેરિકાની મધ્યસ્થીથી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. ટ્રમ્પે મોટો મીર માર્યો હોય એમ ફિશિયારી મારી હતી કે, પોતે ભારત અને પાકિસ્તાનને બિઝનેસ બંધ કરવાની ધમકી આપી તેનાથી ડરીને બંનેએ યુધ્ધવિરામ માટે માનવું જ પડયું.
ભારતે ટ્રમ્પની વાતને નકારી કાઢેલી ને સાફ શબ્દોમાં કહેલું કે, ભારત પાકિસ્તાન જ નહીં પણ કોઈ પણ બીજા દેશ સાથેના વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થી નથી સ્વીકારતું પણ આપણે ત્યાં કોંગ્રેસ સહિતના વિપક્ષો કાગારોળ મચાવ્યા કરે છે કે, નરેન્દ્ર મોદી સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા અને અમેરિકાની મધ્યસ્થી સ્વીકારીને પાકિસ્તાનને પાઠ ભણાવીને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) છિનવી લેવાની સુવર્ણ તક ગુમાવી દીધી. મોદીએ વિપક્ષોની આ વાતનો જવાબ આપતાં ડોનલ્ડ ટ્રમ્પને સ્પષ્ટપણે કહી દીધું છે કે. ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી.
ભૂતકાળમાં અમે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી ને અત્યારે પણ નથી સ્વીકારતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ એ ફોન પર થઈ છે અને આ ફોન ટ્રમ્પે કર્યો હતો. કોંગ્રેસ હજુય ટ્રમ્પના જૂઠાણાને સાચું સાબિત કરવા મથ્યા કરે છે એ જોઈને હસવું આવે છે. ટ્રમ્પ જૂઠાણાં ચલાવવામાં ચેમ્પિયન છે અને રોજ સવાર પડે ને કોઈ ને કોઈ જૂઠાણું તેમના મોંમાંથી બહાર આવે છે. તેના કારણે ટ્રમ્પ દુનિયામાં હાસ્યાસ્પદ બની ગયા છે ને કોઈ તેમની વાત પર ભરોસો કરતું નથી પણ કોંગ્રેસ તેમની વાત પર ભરોસો કરે છે. કોંગ્રેસના ભારતના વડા પ્રધાનની વાત પર ભરોસો નથી પણ મહાજૂઠા ટ્રમ્પની વાત પર ભરોસો છે એ જોઈને આઘાત લાગે છે. ભારતે સત્તાવાર રીતે કહ્યું કે, ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો નથી જ્યારે અમેરિકાએ સત્તાવાર રીતે કદી એવું કહ્યું નથી કે, અમારી મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો છે. જે વાતો ચાલે છે એ બધી ટ્રમ્પ જ ચલાવે છે છતાં કોંગ્રેસને ટ્રમ્પ સાચા લાગે છે તો આપણે શું કરી શકીએ? જૈસી જિસ કી સોચ.