મંત્રીઓની પસંદગીને લઇને મસ્ક અને ટ્રમ્પના સાથી વચ્ચે બબાલ
અમેરિકાના નવ નિયુકત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ શપથ લીધા નથી પરંતુ તેમની ટીમમાં ઘમાસાણના સમાચાર સામે આવવા લાગ્યા છે. ટેક અબજપતિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક અને ટ્રમ્પના જૂના સાથી અને સલાહકાર બોરિસ એપ્સટેન વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો છે. આ વિવાદ મંત્રીઓની પસંદગીને લઈને થયો છે.બંને વચ્ચે તણાવ એ હદે વધી ગયો હતો કે ડિનર ટેબલ પર જ બંને ઝઘડી પડ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણી બાદથી એલન મસ્ક ઘણો જ પાવરફુલ જોવા મળી રહ્યો છે. તે હવે મોટા ભાગે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જ જોવા મળે છે. જે વાત ટ્રમ્પના જૂના અને વિશ્વાસુ સાથીને પસંદ નથી પડી રહી. મસ્કના ઝડપથી વધતા કદમથી જૂના લોકો પરેશાન છે, જે પોતાને અલગ અનુભવી રહ્યાં છે. નવી સરકારમાં પણ એલન મસ્કને કોઈ નવી અને પ્રભાવશાળી ભૂમિકા મળશે તેવું લોકો માની રહ્યાં છે.
રિપોર્ટ મુજબ આ વિવાદ ગત સપ્તાહે માર-એ-લાગોની એક ક્લબમાં ડિનર દરમિયાન જોવા મળ્યો. ડિનર ટેબલ પર વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે મસ્કે બોરિસ એમ્સટેનનો વિરોધ કર્યો. બોરિસ એપ્સટેને જ કથિત રીતે વિવાદાસ્પદ મેટ ગેટ્ઝને એટોર્ની જનરલના પદ પર નિયુક્ત કરવા માટે ટ્રમ્પને મનાવ્યા હતા.
રિપોર્ટમાં દાવો કરાયો કે, મસ્કે આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો કે ટ્રમ્પ પ્રશાસનના નવા મંત્રીઓની પસંદગીમાં એપ્સટેનની દરમિયાનગીરી વધુ છે. બંને વચ્ચે ટકરાવ ખાસ કરીને ન્યાય વિભાગમાં ટોચના પદ પરની પસંદગી અને વ્હાઈટ હાઉસના વકીલની પસંદગીને લઈને થઈ. રિપોર્ટમાં કહેવાયું કે ડિનર ટેબલ પર જ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, મસ્કે પોતાની પસંદગીના લોકોને કેબિનેટમાં લાવવા પર ભાર આપ્યો. જો કે આ મુદ્દે કોઈ વાત ન બની તો બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થવા લાગી. જેના કારણે મસ્ક નારાજ થઈ ગયો. અહીં જણાવી દઈએ કે ગુનાકીય મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પને બચાવવામાં એપ્સટેને મહત્વની ભૂમિકા ભજવી છે. ચૂંટણી જીત્યા બાદ કેબિનેટની પસંદગીમાં પણ એપ્સટેન મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.