ચીનના પગલાંથી ડ્રોન-રોબોટ-મિસાઈલ ઉત્પાદન ખોરવાશે
22 દુર્લભ ખનિજોની માત્ર અમેરિકાને જ નહીં સમગ્ર વિશ્ર્વમાં નિકાસબંધી કરી ડ્રેગને નાક દબાવ્યું
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધે હવે વૈશ્વિક ઉદ્યોગો માટે ગંભીર પડકાર ઊભો કર્યો છે. ચીને વિશ્વના ઓટોમોબાઇલ, એરોસ્પેસ, સેમિક્ધડક્ટર અને સૈન્ય ઉદ્યોગો માટે અનિવાર્ય ગણાતા રેર અર્થ ખનિજો અને મેગ્નેટની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલ, 2025થી લાગુ કરાયેલા ઉચ્ચ ટેરિફના જવાબમાં ચીનની આક્રમક નીતિનો ભાગ માનવામાં આવે છે. આ પ્રતિબંધથી ઇલેક્ટ્રિક વાહનો, ડ્રોન, રોબોટ્સ, મિસાઇલ, અવકાશયાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વર અને સ્માર્ટફોન જેવા અદ્યતન ઉત્પાદનોની સપ્લાય ચેઇન પર ગંભીર અસર થવાની શક્યતા છે.
ચીનના વાણિજ્ય મંત્રાલય અને જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સે 4 એપ્રિલે જાહેરાત કરી હતી કે, છ હેવી રેર અર્થ ધાતુઓ, જેનું સંપૂર્ણ શુદ્ધીકરણ ચીનમાં થાય છે, અને રેર અર્થ મેગ્નેટ, જેનું વિશ્વના 90 ટકા ઉત્પાદન ચીન નિયંત્રિત કરે છે, તેની નિકાસ હવે ખાસ લાઇસન્સ વિના શક્ય નહીં હોય. જોકે, આ લાઇસન્સ જારી કરવાની પ્રક્રિયા હજુ શરૂૂ થઇ નથી, જેના કારણે ચીનના અનેક બંદરો પર આ ખનિજો અને મેગ્નેટની નિકાસ ખોરવાઇ ગઇ છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ચીનની બહારના દેશોમાં આ ખનિજોનો સ્ટોક ઝડપથી ખૂટી શકે છે, જેની સીધી અસર અમેરિકા, જાપાન, જર્મની અને અન્ય દેશોના ઉદ્યોગો પર પડશે.
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ અને વાણિજ્ય વિભાગની ક્રિટિકલ મિનરલ્સ એડવાઇઝરી કમિટીના ચેરમેન ડેનિયલ પિકાર્ડે ચિંતા વ્યક્ત કરી કે, આ નિકાસ પ્રતિબંધ અમેરિકન ઉદ્યોગો માટે ગંભીર પરિણામો લાવી શકે છે. તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાનો ઝડપી ઉકેલ જરૂૂરી છે, કારણ કે લાંબા સમયની અડચણ ચીનની વિશ્વસનીય સપ્લાયર તરીકેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.
ચીનના આ પગલાની અસર માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી, પરંતુ જાપાન અને જર્મની જેવા દેશો પણ તેની ઝપટમાં આવી શકે છે. જોકે, ચીનના કેટલાક બંદરો પર નિકાસ નિયંત્રણોનો અમલ અસમાન રીતે થઇ રહ્યો છે. કેટલાક બંદરો પર, નાના પ્રમાણમાં હેવી રેર અર્થ ધરાવતા મેગ્નેટની નિકાસને મંજૂરી આપવામાં આવી રહી છે, જો તે અમેરિકા મોકલવામાં ન આવતા હોય, જ્યારે અન્ય બંદરો પર કડક તપાસ થઇ રહી છે.
રેર ધાતુઓનો વપરાશ શામાં થાય છે?
આ હેવી રેર અર્થ ધાતુઓ, જેમાં ડિસ્પ્રોસિયમ જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ શક્તિશાળી મેગ્નેટ બનાવવામાં થાય છે, જે ઇલેક્ટ્રિક મોટર્સનું મુખ્ય ઘટક છે. આ મોટર્સ ઇલેક્ટ્રિક કાર, ડ્રોન, રોબોટ્સ, મિસાઇલ, અવકાશયાન અને પેટ્રોલથી ચાલતી કારના સ્ટિયરિંગ જેવા નિર્ણાયક કાર્યો માટે જરૂૂરી છે. આ ઉપરાંત, આ ધાતુઓ જેટ એન્જિન, લેસર, કારની હેડલાઇટ, સ્પાર્ક પ્લગ અને કેપેસિટર જેવા ઘટકોના ઉત્પાદનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે એઆઇ સર્વર અને સ્માર્ટફોનના કમ્પ્યુટર ચિપ્સમાં વપરાય છે.