રશિયાએ યુક્રેનમાં લડવા મોકલેલા વધુ એક ભારતીય યુવાનનું મોત
યુક્રેનમાં વધુ એક ભારતીય યુવકના મોતને કારણે રશિયા પર સવાલો ઉભા થયા છે. મૃતક યુવકની ઓળખ હરિયાણાના 22 વર્ષીય રવિ તરીકે થઈ છે. તેને રશિયા વતી લડવા માટે યુક્રેન મોકલવામાં આવ્યો હતો. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે રવિ (22)નું મૃત્યુ થયું છે. જોકે, પરિવારનો આરોપ છે કે તેને છેતરપિંડીથી મોકલવામાં આવ્યો હતો. જ્યારથી યુક્રેન યુદ્ધ શરૂૂ થયું છે ત્યારથી 5 ભારતીયોના મોત થયા છે. ગયા મહિને જ જ્યારે પીએમ મોદી રશિયા ગયા હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પીએમ મોદી સાથે વાત કર્યા પછી પણ રશિયાએ એક પણ ભારતીય યુવકને છોડ્યો ન હતો. તેને હજુ પણ યુક્રેનમાં લડવા માટે મોકલવામાં આવ્યો છે.
રવિના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેના ભાઈ અજયે દાવો કર્યો હતો કે તે આ વર્ષે 13 મેના રોજ રશિયા ગયો હતો. એક એજન્ટે તેને ટ્રાન્સપોર્ટેશનની નોકરી માટે રશિયા મોકલ્યો, પરંતુ ત્યાં તેને સેનામાં સામેલ કરવામાં આવ્યો. અજયે 21 જુલાઈએ તેના ભાઈ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે તેણે તેને પત્ર લખ્યો ત્યારે એમ્બેસીએ જાણ કરી કે રવિનું મૃત્યુ થયું છે. ભાઈનો દાવો છે કે રશિયન સેનાએ રવિને કહ્યું હતું કે યુક્રેનની સેના સામે લડાઈ કરો અથવા તો 10 વર્ષની જેલ ભોગવવા માટે તૈયાર રહો. રવિને ખાડા ખોદવાની તાલીમ પણ આપવામાં આવી હતી. રવિ 12 માર્ચ સુધી તેના પરિવારના સંપર્કમાં હતો. હવે પરિવારજનોએ પીએમ મોદીને મૃતદેહ પરત લાવવાની અપીલ કરી છે. તેમની પાસે મૃતદેહ લાવવા માટે પૈસા નથી. રવિને મોકલવા માટે પરિવારે એક એકર જમીન વેચીને 11.50 લાખ રૂૂપિયા ખર્ચ્યા.