ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ
પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી ખલાસી માછીમારનું મોત થયું છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 189 સાગરપુત્રો જીવન પસાર કરી રહ્યા છે.
પાકિસ્તાનની લાદી જેલમાં બંદીવાન વધુ એક ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સોખડા ગામના માછીમારનું બીમારી સબબ મોત થયું હોવાના સમાચાર આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી માહિતી અનુસાર, ઉનાના સોખડા ગામના બાબુભાઇ કાનાભાઇ ચુડાસમા નામના માછીમારની તબીયત અચાનક ગત તા. 23 જાન્યુઆરીના વહેલી સવારે 4:30 કલાકે બગડી હતી અને શ્વાસ ઉપડ્યો હતો.
આ સમયે તેમની સાથે રહેલા અન્ય બંદીવાન કેદી દ્વારા તાત્કાલીક જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબિયત લથડતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં મૃત્યુ થતા ફરી વખત જેલ લાવતા તમામ બંદીવાન ભારતીય માછીમારોએ અંતિમ દર્શન કરીને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી. એક દિવસ મૌનવ્રત રાખ્યું હતું અને બાબુભાઈ ચુડાસમાને મૃતદેહ વહેલી તકે માદરે વતન રવાના કરાશે તેવો એક પત્ર સોશ્યિલ મીડિયા દ્વારા વાયરલ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફેલાયુ છે.
મૃતક ઉનાના સોખડા ગામના માછીમાર, છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની લાદી જેલમાં બંદીવાન હોય તેમનો કેસ ચાલી જતા સજા પણ પૂર્ણ થઈ હતી, તેમ છતાં પાકિસ્તાનની જેલમાં હતો.
પાકિસ્તાનની જેલમાં છેલ્લા 2 વર્ષમાં ચાર જેટલા ભારતીય માછીમારોના મોત થયા છે. હાલ પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 217 માછીમારોમાંથી 189 માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ છે.
પરંતુ માછીમારોની એમ્બેસી દ્વારા વેરીફિકેશન અભાવે પાકિસ્તાનની જેલમાં સબડી રહેલ માછીમારોનું વેરીફીકેશન વિલંબ થતી હોવાથી માછીમારી સજા પૂરી કર્યા બાદ પણ જેલમાંથી મુક્તિ થતી નથી. સજા પૂર્ણ થઈ છતાં માછીમારોને છોડયા નહીં. પાકિસ્તાન મરીન સિકક્યુરીટી દ્વારા માછીમારી કરી રહેલ ભારતીય બોટ અને માછીમારોને પકડી બંદક બનાવી પાકિસ્તાનની જેલમાં લઇ જવામાં આવે છે અને અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવે છે.
માછીમારોની વિગતો પણ સરકારને આપવામાં આવે છે,માછીમારોના વેરીફીકેશન કરવા પણ આદેશ કરાય છે. પરંતુ એમ્બેસી દ્વારા પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના સમયસર વેરીફીકીશેન ન થતુ હોવાથી માછીમારો મુક્ત કરવાની કામગીરી આગળ વધતી નથી. હાલ પણ પાકિસ્તાનની જેલમાં 217 માછીમાર કેદ છે. જેમાંથી 189 માછીમારોની સજા પણ પૂરી થઇ ગઇ છે પરંતુ વેરીફીકેશનના અભાવે પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરવામાં આવતા નથી.