પન્નુ મર્ડર ષડ્યંત્રમાં પૂર્વ RAW ઓફિસર પર કાવતરું ઘડવાનો અમેરિકાનો આરોપ
અમેરિકાએ ભારતના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકી ન્યાય વિભાગે આ અંગે માહિતી આપી છે. ભારત અને અમેરિકાના અધિકારીઓની બેઠક બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. ગુરુવારે મીટિંગ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે યુએસ ન્યાય વિભાગના આરોપમાં ઓળખાયેલી વ્યક્તિ હવે ભારત સરકારનો કર્મચારી નથી. અમેરિકાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે ભારત કહે છે કે તે અમેરિકન નાગરિકની હત્યાના કાવતરાના આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે. મંગળવારે અમેરિકા આવેલી ભારતીય અધિકારીઓની ટીમે આ મામલે અમેરિકી વિદેશ વિભાગ અને કાયદા મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ ઉચ્ચ સ્તરીય ભારતીય તપાસ ટીમની મુલાકાતની પુષ્ટિ કરી છે. ગુરપતવંત સિંઘની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને એક ભારતીય અધિકારીની કથિત સંડોવણી વિશે યુએસ સરકાર સાથે શેર કરાયેલા પુરાવાઓની સમીક્ષા કરવા માટે આ ટીમની રચના કરવામાં આવી છે. અમેરિકાએ સોમવારે ભારતીય અધિકારીઓની મુલાકાતની જાહેરાત કરી હતી.
નિખિલ ગુપ્તાની ગયા વર્ષે પ્રાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને આ વર્ષે અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો જ્યાં તે ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ભારત સરકારના એક કર્મચારીએ નિખિલ ગુપ્તાને એવા હત્યારાની ભરતી કરવાની જવાબદારી આપી હતી જે પન્નુની હત્યાને અંજામ આપી શકે. આરોપમાં આ સરકારી કર્મચારીની ઓળખ સીસી1 તરીકે થઈ હતી. આ કાવતરું અમેરિકન અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યું હતું.
સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, વિકાસ યાદવ તરીકે ઓળખાતા ભારતીય ગુપ્તચર અધિકારીને ગુરુવારે તેમની સામે આરોપો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે વિકાસ યાદવ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (છઅઠ)નો ભૂતપૂર્વ અધિકારી છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય એજન્ટો અમેરિકન-કેનેડિયન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતા.
39 વર્ષીય વિકાસ યાદવ હવે સરકારી કર્મચારી નહીં હોવાનું માનવામાં આવે છે. તેના પર ભાડા માટે હત્યા અને મની લોન્ડરિંગનું કાવતરું સહિત ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને ભાગેડુ ગણાવ્યો છે. આરોપમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસ યાદવે મે 2023થી પન્નુ વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ભારત અને વિદેશમાં અન્ય લોકો સાથે કામ કર્યું હતું.
આરોપમાં કહેવાયું છે કે યાદવે નિખિલ ગુપ્તાને નોકરી પર રાખ્યો હતો. યાદવે અમેરિકામાં પીડિતાની હત્યાનું કાવતરું ઘડવા માટે ગુપ્તાની ભરતી કરી હતી. ગુપ્તા ગયા વર્ષે જૂનમાં ભારતથી પ્રાગ ગયો હતો, જ્યાં ચેક સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી હતી. આ પછી તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. નિખિલ ગુપ્તાએ આ વર્ષે જૂનમાં કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.