પાકિસ્તાનમાં પિતાએ માર મારતા યુવાન 30 કિમી સુધી ચાલીને કચ્છથી ભારતમાં ઘુસ્યો !
પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સરહદ ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે, અહીંથી અગાઉ ઘણીવાર બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળી આવતા હોય છે તો ક્યારેક ઘુસણખોર પણ ઝડપાતા હોય છે.. આવીજ વઘુ એક ઘટનામાં કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપી લેવાયો છે. આ પાકિસ્તાની ઘુસણખોર મુકબધિર છે. જે લખપત ખાવડા પાસેના પિલર નંબર 1137 પાસેથી મળી આવ્યો.
આ યુવક પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.. પેટ્રોલિંગ દરમ્યાન આ યુવકને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ છોકરો ઘેટા-બકરા ચરાવવાનું કામ કરતો હતો. તેના પિતાએ તેને ઠપકો આપતા તેણે ઘર છોડી દીધું હતું અને પગપાળા રણ સરહદ ઓળંગી કચ્છમાં આવી ચઢ્યો હતો. સરકારની ગુપ્તચર એજન્સીને બાતમી મળી હતી કે સરહદી ધરમશાળા વિસ્તારમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ આવી ચઢ્યો છે જે બાદ ગુપ્તચર એજન્સીએ તેને ઝડપી લીધો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘેટાં-બકરાં ચરાવવવાનું કામ કરતો આ પાકિસ્તાની છોકરો ગત રાત્રે પિતાએ ઠપકો આપતાં નારાજ થઈને ઘર છોડીને પગપાળા રણ સરહદ ઓળંગી કચ્છમાં આવી ચઢ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. બપોરના બાર વાગ્યાના અરસામાં સંવેદનશીલ સરહદી ધરમશાળા વિસ્તારમાં શંકાસ્પદ ઘૂસણખોર હોવાનો ઇન્પુટ મળતાં સતર્ક બનેલી રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સીએ તેને ઝડપી લીધો હતો.
પકડાયેલા કિશોરનું નામ લવકુમાર સરુપ દેવા ભીલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અને તે કચ્છની રણ સરહદથી થોડે દૂર આવેલા પાકિસ્તાનના ડિપ્લો તાલુકાના ગામનો રહેવાસી છે.
પાકિસ્તાની સગીરે પોલીસને કહ્યું છે કે હું માલધારી છું અને મારા પિતાએ તેને માલઢોરને ચરાવા કહ્યું હતું, પરંતુ તે ન જતાં, તેના પિતાએ તેને માર માર્યો હતો જેનું મનદુ:ખ લગાડી તે ઘર છોડી સરહદ ઓળંગી આવ્યો હતો. તે ભારત-પાકિસ્તાન સરહદ અને પાણીના નાળામાંથી પસાર થતી ભારતીય સરહદમાં પ્રવેશ્યો અને લગભગ 30 કિમી સુધી ભારતના ખાવડા તરફ આગળ વધતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. હાલ સ્થાનિક પોલીસ અને એટી.એસ.એ. તેની પાસેથી એક મોબાઇલ જપ્ત કર્યો છે. અને આ સમગ્ર મામલે તપાસ શરૂૂ કરાઈ છે.
--