ભારતના 35 ટકા લોકોના મતે અમેરિકા હજુ પણ મોટો ભાગીદાર
19 ટકા લોકો રશિયા તરફે, યુરોપ માટે રશિયા સૌથી મોટો ખતરો
પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે અનુસાર, 24 દેશોમાંથી 12 દેશો અમેરિકાને પોતાનો મુખ્ય ભાગીદાર માને છે, જેમાં ઇઝરાયલ, કેનેડા, યુકે, જાપાન અને દક્ષિણ કોરિયા ટોચ પર છે. આ યાદીમાં ભારત 12 માં સ્થાને છે, જ્યાં 35 ટકા લોકો અમેરિકાને ભાગીદાર માને છે, જ્યારે માત્ર 19 ટકા લોકો રશિયાને ભાગીદાર માને છે. આશ્ચર્યજનક રીતે, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા પાડોશી દેશો અમેરિકાને મિત્ર અને ખતરો બંને માને છે. યુરોપના દેશો રશિયાને સૌથી મોટો ખતરો માને છે, જ્યારે એશિયા-પેસિફિકના દેશો ચીનને સૌથી મોટો ખતરો માને છે.
સર્વે મુજબ, ભારતના લોકો અમેરિકાને પોતાના માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણે છે. આ સર્વેમાં, 35% ભારતીયોએ અમેરિકાને પોતાનો ભાગીદાર ગણાવ્યો છે, જ્યારે માત્ર 19% લોકોએ રશિયાને ભારતનો ભાગીદાર ગણાવ્યો. આ દર્શાવે છે કે ભારતમાં અમેરિકા પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ છે, જોકે વેપાર ટેરિફને કારણે હાલમાં બંને દેશો વચ્ચે કેટલાક તણાવ જોવા મળી રહ્યા છે.
સર્વે કરાયેલા 10 યુરોપિયન દેશોમાંથી 8 દેશોમાં રશિયાને સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વીડન અને યુકેમાં અડધાથી વધુ પુખ્ત લોકો રશિયાને પોતાના દેશ માટે સૌથી મોટો ખતરો ગણે છે.
અમેરિકા અને એશિયા-પેસિફિક ક્ષેત્રના ઘણા લોકો માટે ચીન સૌથી મોટો ખતરો છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં લગભગ અડધા પુખ્ત વયના લોકો ચીનને ખતરો માને છે, જ્યારે દક્ષિણ કોરિયામાં ઉત્તર કોરિયા પછી ચીન બીજા ક્રમે આવે છે.