વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ
મોટરસાયકલ ઉપર જઈ રહેલા ભાટીયાના વિપ્ર યુવાન તેમજ રાણ ગામના ગઢવી યુવાનના વાહન આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ બે યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા.
આ અંગે પોલીસ સૂત્રોમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સુધીરભાઈ બલભદ્રભાઈ વ્યાસ નામના 43 વર્ષના બ્રાહ્મણ યુવાન ગત તા. 22 ઓક્ટોબરના રોજ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ભાટિયા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરું ઉતરી આવ્યું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સુધીરભાઈ વ્યાસનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મહાવીર બલભદ્રભાઈ વ્યાસએ કલ્યાણપુર પોલીસને કરી છે. અન્ય એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મુલાભાઈ નારણભાઈ સાખરા નામના 45 વર્ષના ગઢવી યુવાન ગત તારીખ 20 ઓક્ટોબરના રોજ રાણથી લીંબડી ગામ તરફ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક સાથે એકાએક ભૂંડ ઉતરી આવતા અકસ્માત સર્જાયો હતો. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પાલા નારણભાઈ સાખરાએ સ્થાનિક પોલીસને કરી છે.