ઉપલેટા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા યુવક ગંભીર
મામલતદાર કચેરી પાસે રેલવે પુલ પરના રસ્તાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા બને છે અકસ્માતના બનાવો
ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર નવી મામલતદાર કચેરી સામે રેલવેના સાંઢીયા પુલ પર છેલ્લા ઘણા સમયથી રોડની વચ્ચે મોટી તિરાડ આવેલી હોય જે અંગે અનેક વખત રીપેર કરવા માટે રજૂઆતો નગરપાલિકા તંત્રને કરવામાં આવેલ હોય છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં ના આવતા અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે આજે સાંજના સમયે ઉપલેટા શહેરના વાડલા રોડ પર વિજય ઓઈલ મિલ પાસે રહેતા અતુલભાઈ નાથાભાઈ મોરી નામના 38 વર્ષીય પશુપાલક યુવકની મોટરસાયકલનું આગળનું વ્હિલ રસ્તા વચ્ચેની તિરાડમાં આવી જતા ગાડી વર્ધી નીચે ગબડી પડેલ જેને જમણા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવને પગલે આસપાસ એ પસાર થતા વાહન ચાલકો મદદ માટે દોડી આવેલ તેમજ પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડીયા પણ ઘટના સ્થળેથી નીકળેલ તેમણે તાત્કાલિક 108 ને જાણ કરતા ઈજાગ્રસ્તને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી ખસેડવામાં આવેલ. અગાઉ પણ આજ સ્થળે ભાજપના જ આગેવાન કરસનભાઈ ધ્રાંગુ સાંજના સમયે પોતાના કારખાનાથી ઉપલેટા તરફ આવી રહ્યા હતા ત્યારે પણ આવી જ રીતે અકસ્માત સર્જાયેલ ત્યારે પણ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઉપલેટા સારવારમાં ખસેડવામાં આવેલ તેમજ અન્ય પણ એક વાહન ચાલકને પણ આવી રીતે અકસ્માત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આવા બનાવો તો અવારનવાર બનતા રહે છે ત્યારે નગરપાલિકા તંત્રને જાણ કરવા છતાં પણ નગરપાલિકાના નિંભર તંત્રની આંખ હજુ સુધી ખુલી નથી. નગરપાલિકા તંત્ર દ્વારા તંત્રની અંદરો અંદરની ટાંટિયા ખેંચ તેમજ જૂથવાદમાં કોઈ જાતના કામ ન કરવામાં આવતા લોકોને અકસ્માતમાં ઈજાઓ પહોંચી રહી છે.