ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા અને આદિવાસી સમાજે પોતાના હક્ક, અધિકાર અને ન્યાય માટે એકતાબદ્ધ બની લડત લડવા સંકલ્પ કર્યો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સરકારની આદિવાસી વિરોધી નીતિઓ અંગે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભાજપના રાજમાં તમામ વર્ગો આજે દુ:ખી છે. રાજ્યમાં ખાતરની તંગી છે, ખેડૂતો ગામેગામ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને છે, છતાં ખાતર મળતું નથી. મળે તો બે ગણો ભાવ લેવાય છે. ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી ચાલી રહી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કારણ કે આ ભાજપના મળતીયાઓ જ કરી રહ્યાં છે. તેથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસની જ સરકાર હતી જેણે આદિવાસી સમુદાયના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું હતું. આદિવાસી સમુદાયને જળ, જમીન, જંગલ અને શિક્ષણના અધિકારો આપ્યા હતા. બીજી તરફ ભાજપ સરકાર આદિવાસી સમુદાયને પ્રતાડિત કરી રહી છે અને તેમના હક્ક અને અધિકારો છીનવવાના પ્રયાસો કરી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો વિકાસના નામે આદિવાસી સમાજની જમીનો અને મૌલિક અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી બી.વી. શ્રીનિવાસ, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડી, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જઝ ડિપાર્ટમેન્ટ ચેરમેન રાજુભાઈ પારધી, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા.