મોડા ગામે ગણપતિ વિસર્જન વેળા યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ
સતત બીજા દિવસે ડૂબી જવાથી મોતની ઘટનાથી અરેરાટી
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સાતમા દિવસે ગણપતિ વિસર્જન વેળાએ વધુ એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજતાં અરેરાટી પ્રસરી છે.
જામનગર નજીક ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાનનું ગણપતિ વિસર્જન વેળાયે ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન આજે બીજા દિવસે પણ સિલસિલો ચાલુ રહ્યો હતો, અને જામનગર તાલુકાના મોડા ગામમાં આજે નદીમાં કરુણાંતિકા સર્જાઈ છે.
જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતો અજયસિંહ વનરાજસિંહ જાડેજા નામનો 25 વર્ષ નો રાજપૂત યુવાન, કે જે મોડા ગામની નદીમાં ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતી વેળાએ અકસ્માતે નદીના પાણીમાં ડૂબ્યો હતો.જે યુવાનને પાણીમાંથી બહાર કાઢીને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડીવીઝનનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડતો થયો છે, જ્યારે મૃતક યુવાનના પરિવારજનો તથા મિત્ર વર્તુળ વગેરેમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું છે.