મુંજકા કવાર્ટરમાં ઊલટી થયા બાદ યુવકનું મોત : હાર્ટએટેકની શંકા
એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં ગમગીની : મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા
શહેરના યુનિવર્સિટી પાછળ આવેલા મુંજકા વિસ્તારમાં રહેતા યુવાનનું ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. હાર્ટએટેકની શંકાના આધારે પોલીસે મોતનું કારણ જાણવા વિશેરા લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર હોય જેના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુુજબ મુંજકા ગામે આવેલા ટીટોળીયા કવાર્ટરમાં રહેતો ગૌતમ મહેશભાઈ સોલંકી (ઉ.22)નામનો દરજી યુવાન આજે વહેલી સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનને હાર્ટએટેક આવી ગયાની શંકાના આધારે તબીબો દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા તેના વિશેરા લેવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ગૌતમ એકનો એક પુત્ર હોવાનું અને રિલાયન્સ મોલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા ઈમીટેશનનો વેપાર કરે છે. એકનો એક યુવાન પુત્ર ગુમાવી દેતાં દરજી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.