રાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપ
ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયેલા યુવકને બાટલો ચડાવતા હાથમાં સોઈ રહી ગઈ હોવાનો આરોપ; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ
રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં ભીમરાવનગરમાં રહેતાં યુવકને ઝાડા ઉલ્ટી અને તાવની બિમારી સબબ આઠ દિવસ પૂર્વે પદ્મકુવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકને તબીબ દ્વારા બાટલો ચડાવવામાં આવ્યો હતો. જે બાટલાની સોઈ હાથમાં રહી જતાં યુવકને રજા આપી દેવામાં આવી હતી. ફરી યુવકની તબિયત લથડતાં યુવકને ફરી પદ્મકુવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાથમાં રહી ગયેલી સોઈ કાઢવા કરવામાં આવેલા ઓપરેશન બાદ યુવકનું બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. પદ્મકુવરબા હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં ગોપાલ નારણભાઈ જાદવ નામના 20 વર્ષના યુવકને ગત તા.30 નવેમ્બરનાં રોજ ઝાડા-ઉલ્ટી અને તાવની બિમારી સબબ ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા યુવકને ઈન્જેકશન અને બાટલા ચડાવવામાં આવ્યા હતાં. યુવકને સારવાર અપાયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ યુવકના હાથમાં સોઈ રહી જતાં ફરી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ગત તા.4નાં રોજ યુવકના હાથમાં રહી ગયેલી સોઈ કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે ઓપરેશન કર્યા બાદ યુવકને ડિસ્ચાર્જ કરતાં ઘરે લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ગત તા.7નાં રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં યુવકની ફરી તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જેની તબિયત નાજુક ગણાતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ગોપાલ જાદવ બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને ચાર વર્ષ પહેલા જ રસિલાબેન નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. યુવકને ઝાડા ઉલ્ટી અને તાવની બિમારી સબબ પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની બેદકારીના કારણે હાથમાં સોઈ રહી જતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે ઓપરેશન સકસેશ નહીં જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.