કલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ વતની અને હાલ પંચમહાલના હાલોલ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરિશ્ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા નામના 39 વર્ષના યુવાન મંગળવાર તારીખ 22 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે સુઝલોન કંપનીના ગેઈટની બહાર પોતાનું બોલેરો કેમ્પર વાહન રાખીને નીચે ઉતર્યા હતા. પરંતુ તેઓ હેન્ડ બ્રેક મારતા ભૂલી ગયા હતા. આથી તેનું વાહન આગળ ચાલવા લાગતા આ વાહન હાથ વડે થોભાવવા જતા હરિશ્ચંદ્રસિંહ સિસોદિયા બોલેરો કેમ્પર અને ટ્રક વચ્ચે દબાઈ ગયા હતા. જેના કારણે તેમને પેટમાં ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ દિલીપસિંહ ગજેન્દ્રસિંહ સિસોદિયા (રહે. ખેડા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
સલાયા નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા દેવીસંગ ખીમાજી ચુડાસમા નામના 49 વર્ષના ગરાસીયા યુવાન મંગળવારે રાત્રિના સમયે તેમના મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ચુડેશ્વર અને સીમાણી કાલાવડ રોડ પર બાઈકનો અકસ્માત થતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રવિરાજસિંહ દેવીસંગ ચુડાસમાએ સલાયા મરીન પોલીસને કરી છે.
મીઠાપુર, દ્વારકા અને કલ્યાણપુરમાં જુગાર રમતા મહિલાઓ સહિત 17 ઝડપાયા
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી પોલીસે અબ્દુલ હાસમ પઠાણ, ફાતમાબેન બબાભાઈ બેતારા, ફાતમાબેન હાસમભાઈ પઠાણ, હુસેનાબેન જાકુબ ચના અને ફિરોજાબેન અભુભાઈ સોઢાને રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ, રૂૂ. 4,120 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકા પોલીસે બરડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિર નજીક રહેતા તેજા જીવા ચાસીયાના કબજાની વાડીમાં આવેલા મકાનમાં બેસીને જુગાર રમતા તેજા જીવા ચાસીયા, ખીરાજભા સાજણભા માણેક, ખેતાભાઈ પુનાભાઈ ચાસિયા, તોરીયાભા આલાભા ભગાડ, દેવુભા સોમભા માણેક અને અબડાભા સામતભા બઠીયા નામના છ શખ્સોને રૂૂપિયા 11,560 ની રોકડ તથા ચાર મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 27,560 ના મુદ્દામાલ સાથે તીનપત્તીનો જુગાર રમતા દબોચી લીધા હતા.
કલ્યાણપુર પોલીસે ગઢકા ગામે મોડી રાત્રિના સમયે ગંજીપાના વડે જુગાર રમી રહેલા નગા રામશી ચાવડા, દેશુર અરજણ ચાવડા, ભીમા રામજી મધુડિયા, ખીમા નારણ ચાવડા, હરદેવસિંહ ભીખુભા જાડેજા અને મોહન વજાભાઈ કછેટીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂૂ 20,590 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.