સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર અને દીવાલ વચ્ચે દબાઇ જતા યુવકનું મોત
શહેરમાં ગોંડલ રોડ પર સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાં બંધ પડે એવી રીક્ષા રીપેર કરતી વખતે અચાનક રીક્ષા ચાલુ થઈ જતા રિક્ષાને રોકવાનો પ્રયાસ કરવા જતો યુવાન રીક્ષા અને દીવાલ વચ્ચે દબાઈ જતા ઇજા પહોંચી હતી. યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાં રહેતો મૂળ માધવપુર ઘેડ વિસ્તારનો તુષાર મોહનભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન કારખાનામાં હતો ત્યારે બંધ પડેલી રીક્ષા રીપેર કરવા લાગ્યો હતો. આ સમયે ગમે તે રીતે રીક્ષા એકાએક ચાલું થઈ ચાલવા લાગી હતી. તેને રોકવાનો પ્રયાસ કરવા જતાં તે રીક્ષા અને સામે દિવાલ વચ્ચે દબાઈ ગયા બાદ પડી જતા તેને ગંભીર ઈજા થઈ હતી.
જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં સાળા સાથે રહેતો અને ખોખડદળ નજીક કારખાનામાં કામ કરતો મૂળ તળાજાનો સુરેશ બચુભાઈ નામનો યુવાન ગઈકાલે રવીવાર હોવાથી કામેથી બાઈક પર વ્હેલા ઘરે જવા રવાના થયો હતો. લોઠડા નજીક પહોંચતા સામેથી ધસી આવેલા સ્કુટર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં તે ફંગોળાઈ પટકાતા માથુ રોડ સાથે અથડાતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.