શાપરમાં ક્રેઈનનો પટ્ટો તૂટીને શ્રમિક યુવકને છાતીમાં લાગતા મૃત્યુ
શાપરમાં આવેલા કારખાનામાં શ્રમિક યુવાન કામ કરતો હતો ત્યારે અચાનક ક્રેઈનનો પટ્ટો તુટીને છાતીના ભાગે અથડાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં આવેલા કારખાનામાં કામ કરતાં રામશંકરભાઈ પાતીરામ વર્મા નામનો 27 વર્ષનો યુવાન કારખાનામાં કરતો હતો ત્યારે ક્રેઈનનો પટ્ટો અચાનક તુટીને રામશંકર વર્માને છાતીના ભાગે લાગ્યો હતો.
બેભાન હાલતમાં ઢળી પડેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત બીજા બનાવમાં જસદણનાં દહિંસરા ગામે પરિવાર સાથે ખેતમજુરી અર્થે આવેલી ફુલબાઈબેન કિશનભાઈ ભીલ નામની 30 વર્ષની પરિણીતા વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર સંધ્યા ટાંણે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.