જોડિયાના બાલંભા ગામે તરૂણીનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદ ના વતની નરેશભાઈ કીડિયાભાઈ મીનામાં નામના 40 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની સાડા પંદર વર્ષ ની વયની પુત્રી મેઘનાબેન નરેશભાઈ મીનામાએ પોતાની માનસિક અસ્થિરતા ના કારણે પોતાના વાડીના મકાનમાં લોખંડના એંગલ માં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક મેઘનાબેન ના પિતા નરેશભાઈ મીનામાં એ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બાઇક હડફેટે પ્રૌઢને ઇજા
જામનગરમાં મહેશ્વરી નગર ચોક નંબર -2 માં રહેતા અને ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હમીરભાઈ ડગરા (ઉંમર વર્ષ 57) કે જેઓ ગત 23મી તારીખે વહેલી સવારે પગપાળા ચાલીને જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પુરઝડપે આવી રહેલા જી.જે.-10 સી.એસ. 0556 નંબરના બાઈકના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં જમીન પર પટકાઈ પડ્યા હતા, અને માથા ના ભાગે હેમરેજ સહિતની ઇજા થઈ હતી. તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના પુત્ર હિતેશ હમિરભાઈ ડગરા એ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.