રેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત
મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો યુવાન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20 ફૂટ જેટલી ઊંચાઇએથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવકના મૃત્યુથી બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમા લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો સુશીલ લાલજીભાઈ ચૌહાણ નામનો 37 વર્ષનો યુવાન રેલવે સ્ટેશન ઉપર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20 ફૂટ જેટલી ઊંચાઇએથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુશીલ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને હાલ રાજકોટમાં રહી મજુરી કામ કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રેલવે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.