મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીર
ગોંડલ હાઈ-વે પરનો બનાવ : ઈજાગ્રસ્તનું અજાણ્યા શખ્સોએ સળિયાથી હુમલો કર્યાનું કથન
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર મધરાત્રે મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવાને હોસ્પિટલમાં અજાણ્યા શખ્સોેએ સળીયાથી હુમલો કર્યાનું કથન કર્યુ હતું. જો કે પોલીસ તપાસમાં ખાડામાં પટકાતા ઘવાયો હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતો નટવર દિનેશભાઈ કુવરીયા (ઉ.28) નામના યુવાનને ગત રાત્રે 3 વાગ્યાના અરસામાં ગોંડલ હાઈ-વે પર ગોંડલ ચાકડી નજીક શિવ હોટલ પાસેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક પુછપરછ કરતાં ઈજાગ્રસ્ત યુવાને તે રાત્રે કોઠારીયા સોલવન્ટ પાસે ખુલ્લા પ્લોટમાં હતો ત્યારે અજાણ્યા ત્રણ ચાર શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરી માર માર્યાનું નિવેદન લખાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બનાવ સ્થળે દોડી જઈ તપાસ કરતાં ઈજાગ્રસ્ત યુવાન ગોંડલ હાઈવે પર શિવ હોટલ પાસે ઓવરબ્રીજનું કામ ચાલુ હોય જ્યાં મજુરો સુતા હતાં તેનો મોબાઈલ ચોરી ભાગી રહ્યો હોય જેથી મજુરોએ પાછળ દોડતાં ઈજાગ્રસ્ત યુવાન ઓવરબ્રીજના બીમ બનાવવા માટે ખોદેલા 15 ફુટ ઉંડા ખાડામાં પટકાતા ઈજા થઈ હોવાનું ખુલવા પામ્યું છે.
વધુ તપાસમાં ઈજાગ્રસ્ત નટવર બે ભાઇ ત્રણ બહેનમાં નાનો અને મજૂરી કામ કરે છે. તેની પત્ની પીન્કી 10 વર્ષથી રિસામાણે છે. નટવર છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગયો હતો અને પરિવારજનો શોધખોળ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.