આચાર્ય-શિક્ષકની ખોટી સહી કરી કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી દ્વારા 23.83 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (એસએસએ) તરીકે નોકરી કરતા દેવેન્દ્ર ગણાત્રાએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની ખોટી સહી કરી બેન્કમાંથી રૂૂા. 23.83 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાઈ છે.
આચાર્ય ગંગારામ મીણા (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું કે શાળાના યુનિયન બેન્કમાં ખાતા છે. જેમાં સ્કૂલ ફંડ એકાઉન્ટ, વિદ્યાલય વિકાસ નિધિ એકાઉન્ટ સહિતના ત્રણેક ખાતાઓ છે. તમામ ખાતાઓના નાણાંકીય વ્યવહારો આરોપી સંભાળતો હતો. વ્યવહારો કરવા માટે તેની અને શિક્ષક ગૌતમભાઈ પરમારની સહીઓ થતી હતી. ચેક ઈશ્યૂ રજીસ્ટર પણ નિભાવવામાં આવે છે. તે કામ પણ આરોપી કરે છે. એક કરતા વધુ લોકોને પૈસા ટ્રાન્સફર કરવાના કિસ્સામાં બેન્કને યોર સેલ્ફ નામથી ચેક આપી તમામને કુલ રકમનો ચેક લખી એડવાઈઝરી સ્લીપ સાથે પૈસા આપવાના હોય છે.
આ સ્લીપમાં પણ તેની અને ગૌતમભાઈની સહીઓ અને શાળાનો સ્ટેમ્પ લગાવીને અપાય છે. જે ચેક આરોપી જમા કરાવવા જતો હતો. ગઈ તા. 21ના અમદાવાદ રિટર્ન ઓફિસેથી ફોન આવ્યો હતો. તમારા બેન્ક ખાતામાં મોટા પ્રમાણમાં પૈસાનું ટ્રાન્સફર થાય છે કહી ચેક કરવાનું કહ્યું હતું. જેથી તેણે આ બાબતે આરોપીને પૂછતા લેખિતમાં એક પત્ર આપી કોઈ ક્ધસલ્ટન્સીને ટ્રાન્ફર કર્યા હોવાનું અને બેન્કની ભૂલના કારણે ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જણાવ્યું હતું. આરોપીએ વોટ્સએપમાં બેન્ક સ્ટેમ્પ વાળો લેટર મોકલ્યો હતો.
જેથી બેન્કેથી ખરાઈ કરતા ટ્રાન્ઝેક્શન ડિટેઈલ્સ અને લેટર ખોટું હોવાનું જાણવા મળ્યું હતું.સ્ટેટમેન્ટ જોતા જે પેઢીને પૈસા મોકલાવ્યા ચેક ઈશ્યૂ રજીસ્ટર અને બેન્ક ખાતા હતા તેની પાસે કોઈ કામ કરાવાયું ન હોવા છતાં રૂૂા. 11.83 લાખ ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું.જેથી આ મામલે શાળાના પ્રબંધન કમિટિના અધ્યક્ષ કલેક્ટરને જાણ કરતા ફરિયાદ કરવા અધિકૃત કર્યા હતાં.વધુ તપાસ કરતા ચેક અને એડવાઈઝર સ્લીપમાં તેની અને શિક્ષકની ખોટી સહીઓ કરી નાણાં ટ્રાન્સફર કર્યાનું સામે આવ્યું હતું. આમ આરોપીએ અલગ-અલગ સમયે કુલ રૂૂા. 23.83 લાખની ઉચાપત કર્યાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.