ઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાત
યુવતી કોણ હતી તે પણ ખબર નહોતી, છ માસમાં યુવતી ઓફલાઈન થઈ જતાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ
હાલના સમયમાં પ્રેમ થવો અને પ્રેમ સંબંધ તુટવો એક સામાન્ય ઘટના બની ગઈ છે ત્યારે પ્રેમ સંબંધના કારણે નાસીપાત થતાં લોકોની આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજકોટમાં આવેલા કોઠારીયા ગામમાં રહેતા શ્રમિક યુવકને છ મહિનાથી ઓનલાઈન પ્રેમ થયો હતો.
યુવતી કોણ હતી તે પણ ખબર નહોતી તેમ છતાં ગળાડૂબ પ્રેમમાં પડેલા યુવકને યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા ગામમાં આવેલા ગુલાબનગરમાં રહેતા દિપક ઉમેશચંદ્ર ચૌહાણ નામનો 18 વર્ષનો યુવાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર દ્વારા યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવકને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક દિપક ચૌહાણ મુળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને પરિવાર સાથે હાલ ગુલાબનગરમાં રહેતો હતો. દિપક ચૌહાણ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો અને કંઈ કામ ધંધો કરતો ન હતો. દિપક ચૌહાણની છેલ્લા છ મહિનાથી ઓનલાઈન પ્રેમ થયો હતો. યુવતી કોણ હતી ? તે પણ ખબર નહોતી. ડતેમ છતાં ગળાડૂબ પ્રેમમાં પડેલા દિપક ચૌહાણને યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહી પ્રેમ સંબંધ ટૂંકાવી લીધો હતો. જેથી ગઈકાલે દિપક ચૌહાણ પોતાના ઘરે હતો ત્યારે પિતા ઈંટોના ભઠ્ઠામાં કામે ગયા હતાં. અને માતા બહાર ગયા બાદ દિપક ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દિપક ચૌહાણના ભાઈ રાહુલ ચૌહાણે પણ ચાર વર્ષ પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. યુવકના આપઘાત પાછળનું સાચુ કારણ જાણવા આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.