વીડિયો કોલમાં મંગેતરે ફાંસો ખાવા ઇશારો કરતા યુવાને સાચે જ ગળાફાંસો ખાઇ લીધો
મોબાઇલમાં મળેલા વીડિયો રેકોર્ડિંગના આધારે મંગેતર સામે ગુનો નોંધાયો
રાજકોટના લોધિકા તાલુકાના રાવકી ગામે ચેતના ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરતા અને ઓરડીમાં રહેતાં મૂળ ઉતરપ્રદેશના પ્રસીધ્ધપુરના વતની યુવાને અઢી માસ પૂર્વે આપઘાત કર્યો હોય જેમાં તેની મંગેતર સામે પોલીસે આપઘાત માટે મજબુર કર્યાનો ગુનો નોંધાયો છે. મૃતકના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં વિડીયો કોલમાં મંગેતરે ગળેફાંસો ખાઈ આપઘાત માટે ઈશારો કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું મોબાઈલના વિડીયો માંથી મળતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિગતો મુજબ ઉતરપ્રદેશના ફતેપુર જીલ્લાના પ્રસીધ્ધપુરના અમન દિનેશભાઈ ગૌતમ (ઉ.વ.22)એ ગત તા 15/4/2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ તેના પિતાએ દીનેશકુમાર હનુમાનપ્રસાદ ગોતમે પુત્ર અમનની મંગેતર ઉતરપ્રદેશની ગોરાદેવી ફુલચંદ ગૌતમ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ લોધિકા પોલીસ મથકમાં નોંધાવી છે. દિનેશભાઈએ પોલીસને જણાવ્યું કે તેના પુત્ર અમનની 2024માં આરોપી ગોરાદેવી ફૂલચંદ ગૌતમ સાથે સગાઈ થઈ હતી. બંને મોબાઈલમાં કોલ અને વીડીયો કોલથી વાતચીત કરતાં હતા. પુત્ર અમને હોળી ઉપર વતનમાં આવી એવી વાત કરી હતી કે મંગેતર ગોરાનો મોબાઈલ સતત વ્યસ્ત આવતો રહે છે. તેને બીજા છોકરા સાથે પ્રેમસંબંધ હોવાની મને શંકા છે.
ત્યાર બાદ 15 દિવસ રોકાઈ તે પરત રાવકી આવી ગયો હતો. રાવકીથી તેની સાથે મોબાઈલમાં વાતચીત દરમિયાન પણ ગોરા તેની સાથે ફોનમાં માથાકૂટ કરે છે અને તેને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું મને લાગે છે તેવી વાત કરતો હતો.
બાદમાં ગત તા 15/4ના રોજ અમને રાવકીમાં તેના કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે લોધિકા પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ અમનનો મોબાઈલ ફોન લોક હોવાથી ખુલતો ન હતો., આશરે દસેક દિવસ પહેલાં પિતા દિનેશભાઈ અને તેની માતા સહિતના પરિવારજનો ઘરે હતા ત્યારે અમનના મોબાઈલ ફોનનો લોક ખુલી ગયો હતો. જેમાં જોતાં અમન અને તેની મંગેતર ગોરાદેવીના વીડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ જોવા મળ્યું હતું. જે વીડીયો કોલમાં અમન ગળાફાંસો ખાતો હોય ત્યારે મંગેતર ગોરા તેને ગળાફાંસો ખાઈ જા તેમ ઈશારા કરતી હોવાનું દેખાયું હતું. જેના આધારે ગોરાદેવી ફૂલચંદ ગૌતમ વિરૂૂધ્ધ આપઘાતનીફરજ પાડવાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.