બેડીનાકા પાસે વેલ્ડિંગ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત
શહેરના બેડીનાકા ટાવર પાસે વેલ્ડીંગ કામની દુકાનમાં કામ કરતો પરપ્રાંતિય યુવાનને વેલ્ડીંગ કામ કરતી વેળાએ વીજશોક લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, સામકાંઠે દૂધસાગર રોડ પર જયહિન્દનગરમાં રહેતો રમેશ અભિમન્યુ ગોડ (ઉ.41) નામનો યુવાન ગત તા.1નાં સવારે બેડીનાકા ટાવર પાસે આવેલી વેલ્ડીંગની દુકાનમાં કામ કરતો હતો ત્યારે વેલ્ડીંગ કામ કરતી વેળાએ વીજશોક લાગતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે એ-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મુતક બે ભાઈમાં નાનો અને મુળ યુપીનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.