જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોત
લોઠડામાં રહેતો અને કારખાનામાં કામ કરતો યુવાન બપોરના સમયે જમવા જતો હતો. ત્યારે ક્રેઈનની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લઠડા ગામે આવેલ મહાદેવ કાસ્ટિંગ કંપનીમાં કામ કરતો અને પાછળ આવેલા ક્વાર્ટરમાં રહેતો રોહિત ઇન્દ્રજીતભાઈ વર્મા નામનો 19 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં જમવા જતો હતો ત્યારે હાઇડ્રોલિક ક્રેઇનના પાછળના વ્હીલમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.