કલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામે રહેતા અનિલભાઈ શામજીભાઈ સોનગરા નામના 28 વર્ષના દલવાડી યુવાન તેમના મોટાભાઈ રોહિતભાઈ સોનગરા (ઉ.વ. 30) સાથે તેમના જી.જે. 10 કે. 4663 નંબરના મોટરસાયકલ પર બેસીને કુરંગા ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 37 કિલોમીટર દુર નાવદ્રા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 એ.પી. 2129 નંબરની અલ્ટો મોટરકારના ચાલકે એકાએક બ્રેક મારીને વળાંક લેતા બાઈક પર આવેલા આવી રહેલા બંને ભાઈઓનું મોટરસાયકલ આ અલ્ટો કાર સાથે ધડાકાભેર ટકરાયું હતું. જેના કારણે બંને ભાઈઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં રોહિતભાઈ શામજીભાઈ સોનગરાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અનિલભાઈને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અનિલભાઈ શામજીભાઈ સોનગરાની ફરિયાદ પરથી અલ્ટો મોટરકારના ચાલક વિરુધ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ડુબી જતા
કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા હમીરભાઈ બાવાભાઈ પરમાર નામના 40 વર્ષના યુવાન મંગળવાર તા. 9 ના રોજ મેઘપર ટીટોડી ગામની કુંતી નદીના પાણીમાં કોઈ અગમ્ય કારણોસર ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ખીમાભાઈ નારણભાઈ પરમારએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બોગસ ડોકટર
પશ્ચિમ બંગાળ રાજ્યના નાદિયા જિલ્લાના ભાયના વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક આસામીના મકાનમાં રહીને માન્યતા પ્રાપ્ત તબીબી ડીગ્રી વગર ડોક્ટરી ક્લિનિક ચલાવીને માનવ જિંદગી તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા વાસુદેવ બરેન મોંડલ નામના 42 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે દબોચી લીધો હતો.તેના કબજામાંથી પોલીસે વિવિધ પ્રકારની એલોપથી દવાઓ, ઇન્જેક્શનો સીરપ સહિતનો રૂૂપિયા 55,195 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી, અને ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
