તું રળતીનો થા... હું નહીં ‘તું’ ઘર ભેગી થા: ભાજપમાં નવો ભવાડો
મેયરની ચેમ્બરમાં સમાધાન બેઠકમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષ રાડિયા વચ્ચે સટાસટી
ભાજપ શાસીત રાજકોટ મહાનગરપાલિકાના શાસકોમાં ચાલી રહેલા આંતરીક વિખવાદ વચ્ચે વધુ એક ભવાડો બહાર આવ્યો છે. આજે મેયરની ચેમ્બરમાં સમાધાન માટે સ્ટેન્ડીંગના ચેરમેન જયમીન ઠાકર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાએ યોજેલી બેઠકમાં શાસક પક્ષ ભાજપના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષ રાડિયા વચ્ચે ભારે સટાસટી બોલી ગઈ હતી અને એક બીજાને ઉકારે તુકારે હાકલા પડકારા કરી ચેલેન્જો આપી દેતાં પાર્ટીની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે. ભાજપના બન્ને નેતાઓ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહનું સમાધાન કરાવવા માટે યોજાયેલી આ બેઠકમાં અચાનક જ મામલો વણસી ગયો હતો. જેના કારણે સમાધાન વગર જ બેઠક પડી ભાંગી હતી.
નજરે જોનાર લોકોના કહેવા મુજબ સ્ટેન્ડીંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર બન્નેને ‘હવે આપણી પાસે લાંબો સમય નથી, છ માસમાં જ ચૂંટણી છે’ તેવું સમજાવી શાસક પક્ષના નેતા તથા દંડકને વિવાદ પુરો કરવા સમજાવી રહ્યાં હતાં તેવામાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે સ્ટેન્ડીંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરને પણ સોઈ ઝાટકીને ‘તમે પણ રાડિયાની તરફેણ કરો છો’ તેવું જણાવી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને જણાવ્યું હતું કે, મારી સિનિયોરિટીનું સતત અપમાન થાય છે અને મારી અવગણના થાય છે છતાં તમે મારી વાત સાંભળતા નથી. આ રજૂઆત સાંભળ્યા બાદ દંડક મનિષ રાડિયાએ ‘તો હું કાલથી કોર્પોરેશનમાં નહીં આવું’ તેવું જણાવતાં લીલુબેને ઉશ્કેરાઈને ‘તો રડતીનો થા...’ તેવું આકરુ વેણ કહી દેતાં ઉશ્કેરાયેલા રાડિયા પણ રાડો પાડીને કહ્યું ‘હું શા માટે જાઉં, તું ઘર ભેગી થા’
આ સટાસટી બાદ ઉપસ્થિત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને માંડ માંડ મામલો થાળે પાડીને સમાધાન મીટીંગ આટોપી લીધી હતી. મળતી માહિતી મુજબ, આજે વોર્ડ નં.17માં ફાયર સ્ટેશનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીલુબેન જાદવ 15 મીનીટ મોડા પહોંચતાં પ્રોટોકોલ મુજબ તેની જગ્યાએ અન્ય આગેવાનને બેસાડી દેવામાં આવ્યા હતાં અને આ જગ્યા દબાવી દેવામાં મનીષ રાડિયાનો રોલ હોવાથી લીલુબેન જાદવે અન્ય સામાન્ય લોકો સાથે સ્થાન જમાવી લીધું હતું. પરંતુ ખાતમુહૂર્તમાં થયેલી શોર્ટસર્કીટે મેયરની ચેમ્બરમાં ભડકાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.