ગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં
શહેરમાં કસ્ટમર કેર પર ફરિયાદોનો ધોધ, મોડી રાત્રે અમુક વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઇ
ગઈ કાલે સાંજે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને કારણે વૃક્ષો પડી જવાને કારણે, ડાળીઓ વીજ તાર. પર પડવાને કારણે અને અમુક જગ્યાએ પોલ નમી જવાને કારણે પીજીવીસીએલ ના કસ્ટમર કેર સેન્ટરમાં સૌરાષ્ટ્ર- કચ્છની વીજ વિક્ષેપ અંગેની કુલ 149 ફરિયાદો નોંધાયેલ જ્યારે રાજકોટ શહેરની 156 ફરિયાદો નોંધાયેલ.
રાજકોટ એચ. ટી. 1 સબ ડિવિઝન હેઠળ સપના, મોરબી રોડ, જય જવાન, કનક રોડ લ, રામેશ્વર, વિરાણી અને એટલાસ ફીડરમાં ફોલ્ટ આવેલ હતો. તેમજ એચ.ટી. 2 સબ ડિવિઝન હેઠળ એસઆરપી, નિર્મલા, મહાવીર અને જાગનાથ ફીડર ફોલ્ટમાં ગયું હતું. એચ.ટી. 3 સબ ડિવિઝન હેઠળ અર્જુન, સોમેશ્વર, ભવનાથ, રાધિકા, હરિદર્શન, રાણી પાર્ક, વિશ્વેશ્વર, અમૃત, યુવરાજ પાર્ક ફીડર ટ્રીપ થયેલ / ફોલ્ટમાં આવેલ.
પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા ફિલ્ડ પર મોડી રાત સુધી હાજર રહી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવાની કામગીરી હાથ ધરેલ હતી. ગઇકાલે આંધી જેવા પવનથી શહેરભરમાં ઝાડ-ડાળીઓ તુટી પડવાની ઘટના નોંધાઇ હતી. તુટેલી ડાળી-ઝાડ વગેરે પીજીવીસીએલની વિજ લાઇનો પર પડતા ભારે નુકશાન થવા પામ્યું હતું.