પુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા
સરમત ગામના શ્રમિકે દવા પી જિંદગી ટૂંકાવી
જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની ગુમ થયેલી પુત્રવધુ ના ટેન્શનમાં આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરમત ગામના ખેડૂત બહાદુરસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાજુભાઈ રત્નાભાઇ ડામોર નામના 45 વર્ષના શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની કમીલાબેન રાજુભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવાએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતકના પુત્ર ઈશુ ની પત્ની લક્ષ્મીબેન અચાનક ક્યાંક ગુમ થઈ હતી, અને તેણીનો કોઈ પત્તો સાંપડયો ન હતો, જેના ટેન્શનમાં આવી જઈ પોતે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.