શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં બનેલી ઘટના: 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં પગલુ ભર્યું
રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે શેરબજારમાં રૂૂ.6.50 લાખ ગુમાવતા દેવું થઈ ગયું હતું. જે દેવુ ભરપાઈ થઈ ગયા બાદ રત્નકલાકારે શેરબજારમાં નાણા ગુમાવ્યાની ચિંતામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા અમિત મુકેશભાઈ ભટ્ટ નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત ભટ્ટ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને અપરિણીત હતો. અમિત ભટ્ટ પિતા સાથે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિત ભટ્ટે શેરબજારમાં રૂૂ.6:50 લાખ ગુમાવ્યા બાદ દેવું થઈ ગયું હતું. જે ભરપાઈ કરી દીધા બાદ પણ શેરબજારમાં નાણા ગુમાવ્યાની ચિંતામાં અમિત ભટ્ટે ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.