ખંભાળિયામાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ: પુરપાટ જતી કારની અડફેટે શ્રમિક પરિવારના બાળકનું કરુણ મોત
06:51 PM Nov 18, 2024 IST | Bhumika
Advertisement
ખંભાળિયા નજીકના દ્વારકામાં માર્ગ પર આજરોજ સવારે હિટ એન્ડ રનના બનેલા એક બનાવમાં પ્રાંતીય શ્રમિક પરિવારના 10 વર્ષના બાળકને અડફેટે લઈ અને હેરીયર મોટરકારનો ચાલક નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા કલસિંહ માનાભાઈ નાયક (ઉ.વ. 48) ના સાત સંતાનો પૈકીનો સૌથી નાનો પુત્ર અલ્પેશ (ઉ.વ. 10) આજરોજ સવારે આશરે 9:30 વાગ્યાના સમયે ખંભાળિયા - દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે 21 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરી અને શિવ શક્તિ હોટલમાં જતો હતો. તે દરમિયાન આ માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 03 એન.બી. 4448 નંબરની કાળા કલરની ટાટા હેરિયર મોટરકારના ચાલકે અલ્પેશને અડફટે લીધો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. અહીંની સિવિલ હોસ્પિટલમાં અલ્પેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા કલસિંહ નાયકની ફરિયાદ પરથી ટાટા હેરીયર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવે મૃતક બાળકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરાવી હતી.
Advertisement
Advertisement