જૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધું
શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાનો દીપક મકવાણાનો આક્ષેપ
જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં ગત બપોરે એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાના થેલામાંથી ફિનાઇલની બોટલ કાઢી અને પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી અને હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા હતા.
ફિનાઇલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે. તેમણે 2019 અને 2022ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ઘટના બન્યા બાદ તેઓએ જ દીપક મકવાણાને તુરંત પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપઘાતના પ્રયાસના મુદ્દે તેમણે કહ્યું કે, દીપક મકવાણા 2019 ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના નવા પ્રભારી દેવેન્દ્ર યાદવ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ત્યારે દીપક મકવાણા પણ ત્યાં આવ્યા હતા અને ગત મનપા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા કરી અચાનક ફિનાઇલની બોટલ કાઢી હતી.
મનોજ જોશીએ સવાલ ઉઠાવ્યો કે, "તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છે. જો તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને આજે છેક બે વર્ષ પછી આ મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે.