ભાજપ 182 બેઠકો નહીં જીતે ત્યાં સુધી હાર નહીં પહેરું: CR પાટીલની પ્રતિજ્ઞા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપમાં ભરતી મેળો શરૂૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા બાદ ખંભાતના પૂર્વ ધારાસભ્ય પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પોતાના સંકલ્પ વિશે પણ જણાવ્યું હતુ.
સી.આર. પાટીલે જણાવ્યું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો પર ઝળહળતો વિજય થયો હતો. લોકો અભિનંદન આપતા હતા, પરંતુ મને અંદરથી રંજ થતો હતો. મારી આંખામાં આંસુ નહતા દેખાતા, પરંતુ હ્દય રડી રહ્યું હતુ કારણ કે, બાકીની 26 બેઠકો કેમ રહી ગઈ?
ભાજપ જે 26 બેઠકો માત્ર 3.05 લાખ મતે જ હાર્યું હતું. જેથી મેં સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી ભાજપની 182 બેઠક નહીં જીતુ, ત્યાં સુધી હાર નહીં પહેરું. આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે હું ગુજરાતનો પ્રદેશ પ્રમુખ નહીં હોવ, પરંતુ તમે ભાજપને જીતાડીને મને જાણ કરજો. હું હાર પહેરી લઈશ.
સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપે મેનિફેસ્ટોમાં જે વચનો આપ્યા હતા, મોદી સરકારે તે તમામ પૂર્ણ કર્યા છે. રામ મંદિર, ત્રિપલ તલાક અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કામ મોદી સરકારે કરીને બતાવ્યું છે. કોંગ્રેસની ધમકીથી મોદી અમિત શાહ ડરે તેમ નથી. અયોધ્યામાં દરરોજ 5 લાખ લોકો દર્શન કરે છે.