હરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યું
મુખ્યમંત્રીએ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા. ચાલુ કાર્યક્રમમાં બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનાર માતાઓ ન્યાય માગવા ઊભી થઇ હતી અને આ મામલો ગરમાયો હતો.
બન્ને મહિલાઓએ એ કહ્યું કે અમને તમારી સાથે કોઈ મુલાકાત કરવા દેતું નથી, દોઢ વર્ષથી મળવા દેતા નથી. ન્યાય માગવા ઊભી થઈ ત્યારે CMએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યાં છો. મને મળીને જ જજો. સ્પીચ પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતાં પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી.
મહિલાને CMએ કહ્યું કે "બેન તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. તો અત્યારે બેસી જાવ, મને મળો શાંતિથી. તમે અત્યારે બેસી જાવ, મને મળીને જજો. આ બાજુ જુઓ તમે. એની પર ધ્યાન ના આપશો તે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છે. એટલે તેની પર ધ્યાન આપવાની જરૂર નથી. કોઈ પણ મુશ્કેલી હોય, સોમવારે આપડે કોઇને રોકતા નથી. ત્યાં આવીને કોઈ પણ મળી શકે છે. અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઇ ત્યારે તે પ્રોગ્રામમાં આવીને રજૂઆત કરવી તે આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે.
આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે. તેમાં કોઇને કોઇ કારણસર આવું ક્યાંકને કયાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના તૂટવો જોઇએ. આપણે કોઈ પણ વસ્તુ હરહંમેશ, મેં મીડિયાના મિત્રોનું પણ કેટલી વખત કહ્યું છે મીડિયામાં પણ જે વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપોર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કહ્યું છે કે આને ચેક કરો. અને જો કોઇ નેગેટિવ વસ્તું હોય તો તેને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક સુધારો.
બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે.
