સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને
સુરેન્દ્રનગર શહેરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધનું મૂળ કારણ ટાઉનશીપમાં વર્ષોથી ચાલી આવતી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની ગેરહાજરી હતી. સ્થાનિક રહીશો છેલ્લા 5 વર્ષથી વારંવાર તંત્રને આ સમસ્યાઓ અંગે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
શિવધારા ટાઉનશીપના બિસ્માર રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે, ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે પણ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. આ બાબતે સ્થાનિક મહિલાઓએ ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે, રોડની ખરાબ હાલતને કારણે અનેક વખત દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો છે. આ સાથે ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર સ્વરૂૂપ ધારણ કરી રહી છે.
નિયમિત રીતે ટેક્સ ભરતા હોવા છતાં, સ્થાનિક લોકોને આવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડે છે, જે તેમની સાથે અન્યાય સમાન છે. મહિલાઓએ રોષે ભરાઈને તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓના નિવારણ માટે કામગીરી શરૂૂ કરવાની માંગણી કરી હતી. તેઓએ ચેતવણી આપી હતી કે, જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે, તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. સ્થાનિક લોકોની ધીરજ હવે ખૂટી રહી છે અને તેઓ ન્યાય માટે લડવા માટે મક્કમ છે.