વડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયા
ગુજરાતમાં હાલમાં ગણપતિ બાપ્પા મોરિયા અને બોલમારી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પહેલા જ એક દુર્ઘટના સામે આવી છે. શહેરમાં પોલીસ મથકની દિવાલ તૂટતા એક મહિલા દબાઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. દુર્ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના જુનીગઢીમાં અચાનક તાલુકા પોલીસ મથકની દીવાલ તૂટી હતી. દીવાલ તૂટતા અનેક વાહનો કાટમાળમાં દટાઈ ગયા હતાં. ગણેશ મંડળથી 200 મીટર દૂર દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન પહેલા જ આ દુર્ઘટના થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. એક મહિલા પણ આ ઘટનામાં મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક બાળકી પણ કાટમાળમાં દટાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂૂ કરી દેવાઈ છે. કાટમાળમાં દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ કાટમાળમાં દટાયો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ ગઈ હતી.