લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોત
અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો
લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો હતો. મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે લીંબડી અને રાજકોટ હોસ્પિટલ લઇ જવામાં હતા.
સાયલા હાઈવે પર ઓવરબ્રિજ નીચે રહેતા મુન્નાભાઈ ધનુભાઈ દાતાવાળીયા પત્ની ચકુબેન અને 2 સંતાન સાથે બલદાણા ગામની આજુબાજુમાં ભંગાર વીણી રહ્યા હતા. ભંગાર વહેંચી મળેલી રકમ લઈને મુન્નાભાઈ પરિવાર સાથે હટાણું કરવા લીંબડી આવ્યા હતા. હટાણું કરી સાયલા જવા માટે પરત ફરી રહ્યા હતા. લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક મુન્નાભાઈ બન્ને સંતાન સાથે નેશનલ હાઈવે રોડ ક્રોસ કરી ડિવાઈડર ઉપર ઊભા રહ્યા હતા.
ચકુબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણી કારે તેમને અડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતાં ચકુબેન નીચે પટકાયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. ચકુબેનને સારવાર અર્થે પહેલાં લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચકુબેનનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.